
તા.૨૦ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઉદ્યોગમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારોના પ્રશ્નો અંગેનો ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો
રાજ્યના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્રના જિલ્લાઓના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ જી.આઇ.ડી.સી.ના અલગ-અલગ નીતિ- વિષયક પ્રશ્નો બાબતે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં રાજકોટના સર્કીટ હાઉસ ખાતે યોજાયેલા આ ઓપન હાઉસ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિની વિભાવના સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોના પ્રશ્નોનું વિધેયાત્મક વાતાવરણમાં નિરાકરણ લાવવા રાજ્ય સરકાર સદા કટિબદ્ધ છે. જેતપુર વિસ્તારમાં વિવિંગ માટે અલગ જી.આઈ.ડી.સી.સ્થાપવા અંગે મંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. દરેક જિલ્લાને એક નેશનલ અને એક સ્ટેટ હાઇવેનું કનેક્શન આપવા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અપાઈ રહેલી વિવિધ સબસીડીઓ અંગે આ બેઠકમાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.અલગ-અલગ નીતિ વિષયક પ્રશ્નો જેમ કે, નવી જંત્રી, ઇમ્પેકટ ફીની અરજીની સમય-મર્યાદા વધારવી, C-GDCRમાં એફ.એસ.આઈ. બાબતે પુનઃવિચારણા કરવી, વધારાની ભરવી પડતી સ્ટેમ્પ ડયુટી, બેવડા કરભારણ, કન્વેન્શન સેન્ટરની સ્થાપના, વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી. જે તમામ બાબતોની રાજ્ય સરકારમાં રજૂઆત કરવા મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સંમત થયા હતા. રોજગારીનું સર્જન કરતા નાના મોટા ઔદ્યોગિક એકમોની મંત્રીશ્રી રાજપૂતે સરાહના કરી હતી.

જી.આઇ.ડી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ એફ.એસ.આઈ. અંગે રાજ્ય સરકારે અમલી બનાવેલા છેલ્લામાં છેલ્લા નિયમોથી ઉદ્યોગકારોને વાકેફ કર્યા હતા. તથા રાજ્ય સરકારની “આત્મનિર્ભર ગુજરાત”ની વિવિધ જોગવાઈઓ અંગે સ્પષ્ટતા કરી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી.પી.વૈષ્ણવે ઉદ્યોગમંત્રીશ્રીને આવકારતા જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં ગુજરાતનો મહત્ત્વનો ફાળો ધરાવતા સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ધબકતું રાખવામાં રાજકોટનું અમૂલ્ય યોગદાન છે. ત્યારે સૌરાષ્ટ્રના નાના-મોટા ઉદ્યોગોના વણઉકલ્યા પ્રશ્નોનો સત્વરે નિકાલ થવાથી ઔદ્યોગિક એકમો પ્રગતિ કરી શકશે. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન કરાયું હતું. ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોએ રાજકોટ જિલ્લાના ઉદ્યોગ સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓના પ્રોત્સાહક વલણની એકી અવાજે પ્રશંસા કરી હતી.

આ ઓપન હાઉસમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને દર્શિતાબેન શાહ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદર, જી.આઈ.ડી.સી.ના રિજિયોનલ મેનેજરશ્રી દર્શનભાઈ ઠક્કર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે.વી.મોરી, રોજગાર અધિકારીશ્રી ચેતન દવે, રાજકોટ એન્જનિયરિંગ એસોસિએશન તથા રાજકોટ, મોરબી, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર જિલ્લામાંથી આવેલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જી.આઇ.ડી.સી.ના વસાહત મંડળના ઉદ્યોગકારો, અગ્રણીશ્રી મનસુખભાઇ ખાચરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








