
પાદરામાં શિક્ષણ જગતને કલંક લગાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પાદરાના અભોર ગામની સ્કૂલના આચાર્યએ નાની બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. અભોર ગામની સ્કૂલના આચાર્ય સામે વિદ્યાર્થીઓના પરિવારજનોએ શિક્ષક રોજ સ્કૂલમાં દારૂ પીને આવતા હોવાના આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્કૂલની બાળકીઓ સફાઈના કરવા માટે સ્કૂલના પાછળના ભાગમાં ગઈ હતી ત્યાં આ લંપટ શિક્ષકે બાળકીઓને ફોનમાં અશ્લીલ વિડીયો બતાવ્યા હતા.
જો કે આ સમગ્ર મામલો ગ્રામજનો સુધી પહોંચતા ગ્રામજનો સ્કૂલમાં આવી પહોંચ્યા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ આજે 15મી ઓગસ્ટે સ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ બાદ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હોવાની માહિતી મળી છે. જો કે આ બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. લંપટ શિક્ષકને પોલીસે સ્કૂલેથી ઉઠાવીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. ગ્રામજનો પણ પોલીસ સ્ટેશન પહોંચી લંપટ શિક્ષકને સજા આપવા લોકો માંગ કરી રહ્યા છે. સમગ્ર મામલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.










