
તા.૧/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આશરે બે કરોડથી વધુના ખર્ચે બનનાર આ સર્વિસ રોડથી આસપાસના ૨૪ ગામોને લાભ થશે, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Dhoraji: રાજ્યના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ધોરાજી ખાતે ભાદર-૧ ડેમની મુખ્ય કેનાલ પાસેના સર્વિસ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.
મંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે પર્યાપ્ત પાણી મળી રહે તે માટે હાલ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ કેનાલના પાણીથી જ આસપાસના ૨૪ ગામના ખેડૂતોને સિંચાઈનો ફાયદો થશે. આશરે બે કરોડથી વધુના ખર્ચે કેનાલની બંને તરફ સર્વિસ મેટલિંગ રોડ તૈયાર થશે, જેનાથી ખેડૂતોને ચોમાસામાં પણ આવન જાવનમાં ખૂબ સરળતા રહેશે.

રાજ્ય સરકાર સતત ખેડૂતોના લાભાર્થે ચિંતન કરી તેમને વધુમાં વધુ લાભો મળી રહે તે માટે કાર્ય કરે છે.સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સમયાંતરે ડેમમાંથી પાણી છોડવું ઉપરાંત ભૂગર્ભજળમાં પણ વધારો થાય તે માટે ખેતર આસપાસના વિસ્તારોમાં શક્ય હોય ત્યાં ચેકડેમ અથવા તળાવ બનાવી પાણીના સ્તરમાં વધારો કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેમ મંત્રીરીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કામ અંતર્ગત ભાદર-૧ સિંચાઇ યોજનાના સેકશન-૧ અને ૪ ની મેઈન કેનાલ તેમજ ડી-૫/આર પ્રોપર, ડી-૬/ટી પ્રોપર અને ડી-૬/ટીની માઈનોર એમ-૪/ટી માં ડબલ્યુ.બી.એમ., તેમજ દરેક ક્રોસ ડ્રેનેજ માટે લો-લેવલ કોઝવે અને અન્ય સેકશન-૪ ની માઇનોર કેનાલો માટે મુરૂમ સ્પ્રેડીંગના કામ કરવામાં આવશે.

કેનાલ પાસે મેટલિંગ રોડ બનતા જમનાવડ, મોટીમારડ, વાલાસીમડી, મજેવડી, ગોલાધાર, જાલણસર, વાણંદીયા, ભોળા, પિપળીયા, પત્રાપસર, છાડવાવદર, ભોલગામડા, ચિખલિયા, હાડફોળી, નાનીમારડ, ભાદાજાળીયા, હડમતીયા, નાગલખડા, સમઢીયાળા, કાથરોટા, વાડોદર, આંબલીયા, ઉદકીયા, ભાડેર ગામના લોકોને તેનો લાભ મળશે.
આ પ્રસંગે વિસ્તારના સાસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી, મુખ્ય ઇજનેર શ્રી કલ્યાણી, એ.સી.શ્રી મહેતા, જે એન.લીખીયા, આસપાસના ગામોના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








