
તા.૨૬ મે
વાત્સલ્યમ્ સમાચાર
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એ.સી.પી.સી) તથા કમિશનર ઑફ ટેક્નિકલ એજ્યુકેશન-રાજ્ય સરકાર દ્વારા હાલ ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પછી ઈજનેરી, ફાર્મસી તથા આર્કિટેક્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી ઓનલાઈન ચાલી રહી છે. પ્રવેશપ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ-વાલીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા પ્રવેશને લગતા વિવિધ પ્રશ્નોનું સમાધાન મળી રહે, તે માટે પ્રવેશસમિતિ દ્વારા તા.૨૮ મે (રવિવાર)ના રોજ સરકારી ઇજનેરી કોલેજ (જી.ઈ.સી.), રાજકોટ (કણકોટ) ખાતે ફ્રી કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનાર સંસ્થાના સરોજિની નાયડુ ઓડિટોરિયમ ખાતે બપોરે ૩ વાગ્યાથી શરૂ થશે. જેમાં પ્રવેશ સમિતિના પ્રતિનિધિઓ દ્વારા રજિસ્ટ્રેશન, ચોઈસ ફીલિંગ, સહિત સમગ્ર ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંગે સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ-વાલીઓને તેનો વધુમાં વધુ લાભ લેવા જણાવવામાં આવે છે.
સેમિનાર હોલમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આથી ભાગ લેવા ઇચ્છનારે કાર્યક્રમ શરૂ થવાના અડધી કલાક પહેલા પોતાની જગ્યા મેળવી લેવી. એક વિદ્યાર્થી સાથે ફક્ત એક વાલીને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુસર સરકારી ઇજનેરી કોલેજ, રાજકોટ ખાતે હેલ્પ સેન્ટર કોલેજ સમય દરમ્યાન કાર્યરત છે, તેમ કોલેજની યાદીમાં જણાવાયું છે.








