
તા.૧૨/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
“ઈ-ગ્રામ કેન્દ્ર ઉપર વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર ઓનલાઈન કાઢી આપવા બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.” લાભાર્થી શ્રી નયનાબેન ઢોલરિયા
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામના રહેવાસી ગં.સ્વ. નયનાબેન રાજેશભાઈ ઢોલરિયા તેમનો અનુભવ જણાવતા કહે છે કે, મેં ગંગાસ્વરૂપા હોવાનું પ્રમાણપત્ર ગામમાં જ ઈ – ગ્રામ સેન્ટર થકી મેળવ્યું છે. મારા પતિનું કેન્સરના કારણે અવસાન થયું હતું, જેના કારણે મને પરિવારની ખૂબ ચિંતા રહેતી હતી. એ સમયે અમારા ગામના ઈ – ગ્રામ સેન્ટર વી.સી.ઇ.શ્રી અને તલાટી કમ મંત્રીશ્રીએ મેવાસા ગ્રામ પંચાયતમાં બોલાવીને મને ગંગાસ્વરૂપા સહાય યોજનાનો લાભ મળવાપાત્ર હોવા અંગે માહિતી આપી. ત્યારબાદ મેં સહાય મેળવવાની સંમતિ આપતા વી.સી.ઇ.શ્રીએ જરૂરી કાગળો તૈયાર કરાવવામાં સાથે રહીને મદદ કરી હતી તેમજ ઈ-ગ્રામ કેન્દ્રમાં ઓનલાઈન અરજી કરી વિધવા હોવા અંગે પ્રમાણપત્ર કાઢી આપ્યું હતું.

શ્રી નયનાબેને ઉમેર્યું હતું કે પ્રમાણપત્ર મળ્યા બાદ મને માસિક રૂ.૧૨૫૦ની સહાય ચાલુ થઈ ગઈ છે, જેનાથી મારી ચિંતા ઓછી થઈ છે. કારણ કે આ સહાયથી મને ઘર ચલાવવામાં મદદ મળે છે. મારા સંતાનોને આર્થિક રીતે ટેકો આપી શકું છું અને દીકરા અને દીકરી સાથે જીવન સારી રીતે વિતાવી શકું છું. આથી, મને ઘર આંગણે જ ઈ-ગ્રામ કેન્દ્ર ઉપર વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર ઓનલાઈન કાઢી આપવા બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ઈ-ગ્રામ સેન્ટર પરથી વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર ઉપરાંત રેશનકાર્ડ, કૃષિ સહાય પેકેજ, પોલીસ ચકાસણી, સીનીયર સીટીઝન, ઘરઘાટી, ભાડુઆત અને ડ્રાઈવરની નોંધણી, આવકનો દાખલો, ઓનલાઈન બસ ટીકીટ, વ્હાલી દીકરી યોજના, નિરાધાર વૃદ્ધો અને દીવ્યાંગોને લગતી યોજનાઓ, વિચરતી-વિમુક્ત જાતિ, જન્મ-મરણ પ્રમાણપત્ર, વીજળી બીલ ચુકવણી સહીત સરકારી યોજનાઓનો લાભ મેળવવા સંબંધિત સેવાઓ નજીવા દરે આપવામાં આવે છે.








