JETPURRAJKOT

“સુજલામ સુફલામ જળ અભિયાન” સંદર્ભે મુખ્ય સચિવ શ્રી રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ

તા.૧૫ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી દ્વારા “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ હાથ ધરવામાં આવનાર કામગીરીની અપાઈ માહિતી

તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી/સંપ/પાણી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરાશે

છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક ચાલતું સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ ૨૦૨૩માં પણ સફળતાપૂર્વક વહન કરે તે સંદર્ભે મુખ્ય સચિવ શ્રી રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩”ની સર્વે જિલ્લા કલેટરશ્રીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે પ્રેઝન્ટેશન મારફત સર્વે જિલ્લા કલેકટરશ્રીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલું “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૩માં આ અભિયાન ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે સુધી ચાલનાર છે. આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ સુપેરે થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીશ્રીઓએ કામ કરવું જોઈએ. સાથો સાથ શ્રી રાજ કુમારે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું.

આ તકે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ મુખ્ય સચિવશ્રીને રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવનાર પ્લાનીંગ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ નાગરીકોના સ્વાસ્થ્યને અસર કરતી કામગીરીમાં જિલ્લાના ૨૭ ડેમ, ચેકડેમ, વોટર સંપ, પાણી અને ગટરની પાઈપ લાઈન, વાસ્મો હેઠળની લાઈન, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સફાઈ કરવા સહિતની કામગીરી કરવા આવશે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્ત્મ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આશિષ કુમાર, પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી ધીમંત વ્યાસ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ.ઠુંમર સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button