તા.૨૪/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
દીકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, સલામતી, સુરક્ષા અને નેતૃત્વના મુદ્દા પર દીકરીઓ દ્વારા ભરાઈ સામાન્ય સભા
Rajkot: દીકરીઓને પ્રોત્સાહન મળે તેવા શુભ આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત ભવન ખાતે ‘‘રાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘‘તેજસ્વિની પંચાયત” યોજાઇ હતી.
“તેજસ્વીની પંચાયત” અંતર્ગત દીકરીઓએ મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજી દીકરીઓના જન્મ , શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા મુદાઓ પરત્વે ચર્ચા કરી હતી.

આ સામાન્ય સભામાં દીકરીઓ જ મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદાધિકારીઓની ભૂમિકામાં બિરાજમાન થઈ હતી તેમજ અન્ય કોર્પોરેટર તેમજ જિલ્લા પંચાયત સમિતિના અધ્યક્ષ તેમજ સદસ્યરૂપે રહેલી બાલિકાઓએ સભામાં પ્રશ્ન પૂછ્યા હતા. જેના અધ્યક્ષશ્રી તથા જિલ્લા અધિકારીઓ દ્વારા ખૂબ સચોટ પ્રત્યુતર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ દીકરીઓને આ સભાના સુંદર આયોજન બદલ બિરદાવી હતી તેમજ રાજકોટના વિકાસમાં મહાનગરપાલિકાના પદાધિકારી તથા અધિકારીઓની ભૂમિકા વિશે તેમણે વધુ માહિતી આપી હતી. મેયરશ્રીએ દીકરીઓને આજના પ્રસંગને ચિરસ્મરણમાં રાખી સ્વામી વિવેકાનંદજીના “ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” ના મંત્રને અમલમાં લાવી ભવિષ્યમાં સમાજ સેવામાં પ્રદાન આપવા અનુરોધ કર્યો હતો.

તો જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રીશ્રી મોદીના “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન સાથે તેજસ્વીની પંચાયત દ્વારા દીકરીઓને દરેક ક્ષેત્રે તક મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,લોકતંત્રમાં આ ગવર્નિંગ બોડી એટલે કે અમલવારી સંસ્થાઓ લોકો પ્રત્યે જવાબદાર હોય છે. ત્યારે સંસ્થા દ્વારા જિલ્લાના લોકોને ફાયદો થાય તે પ્રકારે થતી કામગીરીઓથી દીકરીઓ વાકેફ થાય અને ભવિષ્યમાં જાહેર જનતા માટે આ દીકરીઓ પણ અનેરૂ પ્રદાન આપે તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દીકરીઓને બચાવવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી તથા વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને પદાધિકારી દીકરીઓ દ્વારા મંજૂરી હુકમો અને વધામણા કીટ એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ વિભાગની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રીલીલુબેન જાદવ, દંડકશ્રી મનીષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલ, ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નાયબ કમિશનરશ્રી અનિલ ધામેલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ નાકીયા, આસિસ્ટન્ટ કમિશનરશ્રી એચ.આર.પટેલ, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવની દવે, પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડ વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સભાસદ દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.








