
તા.૧૯ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વિછીયા તાલુકામાં આયુષ્માન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો
“છેવાડાના ગામનો સર્વાંગી વિકાસ થશે વિછિયા, જસદણ – વિછીયામાં અનેકવિધ પ્રકલ્પોના નિર્માણ કરાશે” – પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજ્યના તાલુકાઓના અદ્યતન પંચાયત ભવનો બની રહ્યા છે સંપૂર્ણ ડિજિટલ – પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડ
રાજકોટ જિલ્લાના વિછિયામાં નવનિર્મિત તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ અને આયુષ્માન કાર્ડ વિતરણનો કાર્યક્રમ પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય ક્ક્ષાના પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ તકે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, નવ રચીત વિછીયા તાલુકામાં આ તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો બેવડો અવસર મને મળ્યો છે. વર્ષ ૨૦૧૫માં જ્યારે તાલુકાઓનું વિભાજન થયું ત્યારે વિછીયા નવો તાલુકો બન્યો હતો. અહીં નવું આધુનિક સેવા સદન બન્યું છે અને હવે અત્યાધુનિક તાલુકા ભવન પણ વિછીયાને મળ્યું છે. જે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની સુખાકારી માટેની રાજ્ય સરકારની ખેવનાનું ઉત્તમ ઉદાહરણ છે

આ સંદર્ભે મંત્રીશ્રી કુંવરજીભાઈ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતનો સર્વાંગી અને ઉતરોત્તર વિકાસ થઈ રહ્યો છે.વિછીયામાં રૂ.૬૫૦ કરોડ ના ખર્ચે આઈ.ટી.આઈ.નું ભવન ટૂંક સમયમાં સાકાર થશે. આ વિસ્તારના છાત્રોને વિજ્ઞાન પ્રવાહની ધો.૧૧-૧૨ની શાળા અને નાગરિકોને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાયન્સ કોલેજ, રમત ગમતનું સ્ટેડિયમ વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જસદણ વિછીયા તાલુકામાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સૌની યોજના અંતર્ગત રૂ.૧૭૫ કરોડની યોજના મંજૂર કરાઇ છે. જેની કાર્યવાહી સત્વરે શરૂ કરવામાં આવશે

આ તકે પંચાયત રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડે કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વમાં રાજકોટ જિલ્લામાં હીરાસર એરપોર્ટ, એઈમ્સ, ઓવરબ્રિજ જેવી અનેક સુવીધાનુ નિર્માણ થઇ રહ્યું છે. જસદણ વિછિયાને પણ અનેક નવા વિકાસના કામો ભેટ મળી છે. નવ રચિત જિલ્લા વિછિયામાં આજે તાલુકાના પંચાયતનું એક નવું ભવન ઉભું કરાયું છે.

આઝાદીના અમૃતકાળમાં છેવાડા માનવી સુધી સુવિધા પુરી પાડતી સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં તાલુકાઓમાં અધ્યતન ભવનની ભેટ તો મળી જ રહી છે સાથ સાથોસાથ પંચાયતોનું ડિજિટાઈઝેશન પણ થઈ રહ્યું છે.
રૂ.૨૪૦ લાખના ખર્ચે નવનિર્મિત થયેલ તાલુકા પંચાયતનું આધુનિક ભવન બે માળનુ છે.જે પૈકી ભોંય તળિયાનું બાંધકામ ૬૧૦ ચોરસ મીટર, પ્રથમ માળે ૫૮૦ ચોરસ મીટર છે. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીની ચેમ્બર, જન સુવિધા કેન્દ્ર, વેઇટિંગ રૂમ, ટોયલેટ બ્લોક, મીટીંગ હોલ સહિતની અધ્યતન સુવિધાઓથી સજજ્ છે. આ અવસરે મંત્રીશ્રી દ્વારા ડોર ટુ ડોર વિછિયાની સ્વચ્છતા જળવાય તે માટે ખાસ ઓરી, સમઢીયાળા,ભડલી ગ્રામ પંચાયતને ૩ ઈ-રિક્શાનુ લોકાર્પણ કરી લીલી ઝંડી અપાઈ હતી. મંત્રીશ્રીઓએ નવનિર્મિત જિલ્લા પંચાયત કચેરીનું તકતી અનાવરણ કરી નિરીક્ષણ કર્યૂ હતું.

મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પ્રસંગિક પ્રવચન જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા કરાયું હતું. તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણભાઈ ગાબુએ પ્રસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે પંચાયતના ઉપપ્રમુખશ્રી સવિતાબેન વાછાણી, માર્કેટિંગ યાર્ડ પ્રમુખશ્રી કડવાભાઈ જોગરાજીયા, સરપંચશ્રી ચતુરભાઈ રાજપરા, જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેશકુમાર ઠુમ્મર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા, તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ તથા પ્રજાનનો ઉપસ્થિત રહ્યાં હતા.








