
તા.૩૦ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સોશ્યલ બિહેવીયર ચેન્જ કોમ્યુનિકેશન (SBCC) ટીમ દ્વારા ગત તા. ૨૮ મેના રોજ ‘રાષ્ટ્રીય માસિક આરોગ્ય સ્વચ્છતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓને સેનેટરી પેડનો ઉપયોગ કરવા અને તેનો યોગ્ય નિકાલ તેમજ માસિક દરમિયાન સ્વચ્છતા રાખવા અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ માસિકધર્મ અંગે અંધશ્રદ્ધાઓ દૂર થાય, તે હેતુસર રેલી પણ યોજાઈ હતી.

આ ઉપરાંત, તરુણીઓને IFA ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કિશોરીઓએ દર બુધવારે IFA ટેબલેટ ગળવા બાબતે માર્ગદર્શન અપાયું હતું. હિમોગ્લોબિન ઓછું હોય, તેમણે ત્રણ મહિનાનો કોર્ષ કરી, હિમોગ્લોબિનની નિયમિત તપાસ કરવા સલાહ અપાઇ હતી. અને હિમોગ્લોબિનના મહત્વ વિષે સમજાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં વિવિધ આરોગ્ય વિષયક પ્રચાર-પ્રસારની કામગીરી માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ SBCC ટીમની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત છેવાડાના લોકો સુધી આરોગ્યની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો, સેવાઓ અને પ્રવૃતિઓનું સફળતાપૂર્વક અમલીકરણ થાય, તે માટે પ્રચાર-પ્રસાર કરાય છે. બેનર, હોર્ડીગ્સ, પેમ્ફલેટ, લીફલેટ, માઇક તેમજ વોટસએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ, ટ્વિટર અને પ્રિન્ટ મીડીયાના ઉપયોગ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જે આરોગ્ય વિષયક લક્ષ્યાંક અને સેવાઓ પૂરુ પાડવામાં મદદરૂપ થાય છે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.









