શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ફળશ્રુતિ: ભરૂચની સરકારી શાળાઓને મળ્યું રૂ. ૮૭ લાખ ૫૫ હજારનું માતબર દાન
‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની’ ની થીમ સાથે રાજ્યભરમાં યોજાયેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની સાથે ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓ માટે દાનની સરવાણીનો મહોત્સવ પણ બન્યો છે. બે દિવસ સુધી ચાલેલા આ પ્રવેશોત્સવમાં ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓને રૂ. ૮૭,૫૫,૩૩૩/- લાખથી વધુની રકમનું દાન મળ્યું. જેમાં રૂ.૩,૭૦,૦૫૧/- લાખ રોકડ સ્વરૂપે અને રૂ. (અંદાજીત કિંમત) ૮૩,૮૫,૨૮૨/ લાખ વસ્તુઓ સ્વરૂપે લોકસહકાર-દાન મળ્યું છે.
બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો આ ઉત્સવ એટલે કે ‘શાળા પ્રવેશોત્સવ’. આ વર્ષની ઉજવણી અંતર્ગત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સહિતના મહાનુભાવોએ જીલ્લાના કુલ ૧૦૫ રૂટ પૈકીના ૯૨ રૂટમાં ૯૧૨ શાળાઓમાં મુલાકાત કરી શાળાના એસ. એમ.સી. સભ્ય અને ગામના આગેવાનો, બાળકોના વાલી અને તમામ લોકોની હાજરીમાં બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાની ૩૧ જેટલી શાળાઓમાં રાજય કક્ષાએથી ઉપસ્થિતિ રહેલ IAS ,IFS અને સચિવાયલ કેડરના ૧૦ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહી શાળાઓને લાભાવન્તિ કરી હતી.
શાળા પ્રવેશોત્સવ દરમિયાનની આંકડાકીય માહિતી પર એક નજર કરીએ તો, ભરૂચ જિલ્લાની આંગણવાડીમાં કુલ ૬,૬૧૨ ભૂલકાઓની પા..પા..પગલી થઈ હતી. તો બાલવાટિકામાં કુલ ૧૧,૨૦૦ ભૂલકાઓનો શાળામાં પ્રવેશ થયો. ધો. ૧ માં ૭૯૯ નામાંકન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ધો. ૧ માં કુલ ૨૭ જેટલા બાળકોનો પુન:પ્રવેશ કરાવવામાં આવ્યો છે. દિવ્યાંગ ૪૨ બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે ધો. ૯ માં કુલ ૬,૦૭૯ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ પામ્યા છે.
વધુમાં, ભરૂચ જિલ્લાની શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ દરમિયાન ૩૭ જેટલી શાળાઓમાં બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટે પરિવહન સુવિધાની શરૂઆત કરવામાં આવી છે.
કાર્યક્રમની વિશેષતા જોઈએ તો કલેકટર તુષાર સુમેરાએ પ્રાથમિક શાળા કાવી ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું શાળાની દીકરીના હસ્તે શુભારંભ કરાવી નવો ચિલો ચાતર્યો હતો. જ્યારે જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બાળકો સાથે મધ્યાહન ભોજન લીધું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, બિરલા સેલ્યુલઓઝ, ખરચ દ્રારા હાંસોટ તાલુકામાં તાલુકાના નવા પ્રવેશ મેળવેલ તમામ બાળકોને દફતર ભેટ આપી હતી. વાલિયા તાલુકામાં તાલુકાના નવા પ્રવેશ મેળવેલ તમામ બાળકોને ઈંટાશ ફાર્માસ્યુટિકલ કંપની દ્રારા દફતર અને શૌક્ષણિક કીટ આપવાની જાહેરાત કરી હતી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ