RAJKOT

જેતપુર તાલુકાની પ્રથમ સ્ટેમ લેબ તથા જ્ઞાનકુંજ પ્રોજેકટનું શ્રી મોટા ગુંદાળા પ્રાથમિક શાળા ખાતે ઉદ્દઘાટન કરતાં સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક

તા.૧૭/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે આવેલ શ્રી મોટા ગુંદાળા પ્રાથમિક શાળા ખાતે રાજકોટ જિલ્લા પંચાયત તરફથી જેતપુર તાલુકાની પ્રથમ સ્ટેમ લેબ તથા જ્ઞાનકુંજ પ્રોજેકટનો ઉદ્દઘાટન સમારોહ સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુકની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે સ્ટેમ લેબને રસપૂર્વક નિહાળતાં શ્રી રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, ગામડાનાં બાળકો પણ શહેરી શાળાના વિદ્યાર્થીઓની સમકક્ષ અગ્રીમ રહી શકે તથા શહેર જેવી જ સુવિધા ગામડામાં પણ મળી રહે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે ત્યારે આજના વિદ્યાર્થીઓ ટેકનોસેવી બને તેમજ વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે રાજ્યસરકાર દ્વારા નેશનલ સાયન્સ અને ટેકનોલોજી પોલીસી અંતર્ગત પ્રાથમિક શાળાથી જ સ્ટેમ લેબની અમલવારી કરવામાં આવી છે. આવી સુવિધાઓ થકી વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રૂચી કેળવે તેવા પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે.

વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા રાજકોટ જિલ્લામાં તાલુકા દીઠ ૧ એમ કુલ ૧૧ શાળાઓમાં રૂ. ૪૪ લાખના ખર્ચે સ્ટેમ લેબ વિકસાવવામાં આવી રહી છે. જેમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરિંગ અને ગણિત વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ સ્ટેમ લેબમાં સાયન્સ થીમ આધારિત પેંઈન્ટિંગ તથા ફિઝીકસ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ગણિત ક્ષેત્રની જુદી જુદી ગેમ્સ તથા ચાર્ટ્સ બેઈઝડ ગેઈમ્સ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત હાલના સમયમાં જરૂરી જણાતી ક્વોન્ટમ મિકેનિકસ તથા કોડીંગ શિખવતી રસપ્રચુર ગેમ્સ સહિત અંદાજિત ૯૨ વસ્તુઓ સામેલ હોય છે. જરૂરી તમામ પ્રવૃત્તિઓ તથા શિક્ષણ શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા આપવામાં આવશે.

આ સમારોહ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભાવનાબેન સુભાષભાઈ બાંભરોલિયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી જીજ્ઞેશભાઈ રાદડિયા, સરપંચશ્રી ગોપાલભાઈ અમીપરા, ભારત વિકાસ પરિષદના ચેરમેનશ્રી બી.ટી.ઠુંમર, અગ્રણીશ્રી ઉમેશભાઈ પાદરીયા, શ્રી વિમલભાઈ કોયાણી, શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી સંજયભાઈ વેકરિયા તેમજ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button