જૂનાગઢ જિલ્લામાં ૧૧૩ ગામોમાં આયુષ્માન ભારત કાર્ડનું ૧૦૦ ટકા સેચ્યુરેશન

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને વહીવટી તંત્ર સામે ચાલીને આયુષ્માન ભારત કાર્ડ આપે છે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં આજે ૧૧૩ ગામોના પાત્રતા ધરાવતા તમામ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવામાં આવ્યું છે. એટલે કે, આ ગામોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ૧૦૦ ટકા સેચ્યુરેશન થઈ ચૂક્યું છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા સામે ચાલીને આયુષ્માન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જ્યારે ગામે ગામ ફરે છે, ત્યારે આયુષ્માન ભારત કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવે છે સાથે જ ગામમાં બાકી રહેલ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન ભારત કાર્ડ હેઠળ નોંધાયેલી ખાનગી હોસ્પિટલમાં લોકોને દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળે છે. જે રૂ. ૫ લાખ હતી તે, વધારીને ૧૦ લાખ કરવામાં આવી છે.
ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર શ્રી પી. એ. પઠાણે જણાવ્યું કે, હાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે. આ યાત્રા માધ્યમથી ખાસ કરીને પાત્રતા ધરાવનાર તમામ લાભાર્થીઓને કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરી લેવાની નેમ સાથે નીકળી છે. લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ એવી, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે, જેના અંતર્ગત આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવે છે. હાલમાં જિલ્લામાં ૧૧૩ જેટલા ગામોમાં આ યોજનાનું ૧૦૦ ટકા સેચ્યુરેશન એટલે કે, આ ગામોમાં પાત્રતા ધરાવનાર તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વહીવટી અને આરોગ્ય તંત્ર લોકોને વિવિધ યોજનાઓ હેઠળ આવરી લેવા માટે સતત કાર્ય કરી રહ્યું છે, આયુષ્માન કાર્ડથી એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે ગ્રામ્ય સ્તરે આરોગ્ય વિભાગની ટીમ કામ કરી રહી છે.
જૂનાગઢ જીલ્લો આયુષ્માન ભારત કાર્ડ આપવામાં રાજ્યભરમાં અગ્રેસર છે, અત્યાર સુધીમાં જિલ્લામાં ૬.૭૦ લાખ જેટલા લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવામાં આવ્યા છે.





