
તા.૧૫.માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલુકાના મંડલીકપુર ગામના સરપંચને નાણાંની ગેરરીતિ બાબતે થયેલ ફરીયાદમાં તપાસના અંતે કસૂરવાર પુરવાર થતાં ડિડિઓ દ્વારા હોદા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરીયાદીએ તેની ફરીયાદના અનુસંધાને ઉપસરપંચ અને સરપંચના પતિને પણ સભ્યપદના હોદા પરથી દૂર કરવાની માંગ કરી હતી.

જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞેશભાઈ રાદડિયાએ વિકાસ કમિશ્નર ગાંધીનગરને ગત તા. ૨૫-૭-૨૨ના રોજ એક લેખિત ફરીયાદ કરેલ હતું. આ ફરીયાદ મુજબ જેતપુર તાલુકાના મંડલીકપુર ગામના સરપંચના પતિ અને ઉપસરપંચના પતિ તેમજ તલાટીમંત્રી નાણાંની ગેરરીતિ આચારી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો છે. આ માટે તેઓએ ફરીયાદ સાથે પુરાવા પણ રજુ કર્યા હતા. જેમાં શિલ્પાબેન હરેશભાઇ સેંજલિયા ગામના સરપંચ છે અને તેમના પતિ હરેશભાઇ આગલી ટર્મમાં સરપંચ હતાં અને હાલ ગ્રામ પંચાયતમાં સદસ્ય છે. હરેશભાઇ ગ્રામ પંચાયતના સદસ્ય હોવા છતાં ગ્રામ પંચાયતમાં નાણાંના વહીવટમાં ICICI બેન્કના આવેલ ખાતામાં સરપંચને બદલે તેઓ પોતાની હરેશ સેંજલિયા તેવી નામ જોગ સહી કરી વહીવટ કરતાં હતા. આપણે ત્યાં નગરપાલિકા કે પંચાયતોમાં મોટા ભાગે ચૂંટાયેલ મહિલા હોદેદારને બદલે તેમના પતિ જ આર્થિક વહીવટ કરતા હોય છે. પરંતુ અહીં તો મહિલા સરપંચના પતિ પંચાયતના આર્થિક વહીવટમાં તલાટીમંત્રીની સાથે ચેક પર સરપંચ તરીકે પણ પોતાના નામની જ સહી કરતા હતાં.


સામાન્ય રીતે સતા પર રહેલ કોઈ હોદ્દેદાર લોહીના સબંધ ધરાવતો હોય તેની સાથે હોદાની રુએ આર્થિક વહીવટ ન કરી શકે જ્યારે અહીં ગ્રામ પંચાયતના ઉપસરપંચ જયાબેન સરવૈયાના પતિ કેશુભાઈના નામે લાખો રૂપિયાના બિલ ઉધારવામાં આવ્યા છે. જેના પણ પુરાવા ફરીયાદીએ ફરીયાદ સાથે રજૂ કરતાં વિકાસ કમિશ્નર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે તપાસ સોંપી હતી. જે રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદા પરથી દૂર કરી સરપંચનો ચાર્જ ઉપસરપંચ જયાબેનને સોંપ્યો હોવાનું તાલુકા વિકાસ અધિકારી પંકજ વાઘાણીએ જણાવ્યું હતું.

સતાનો દુરુપયોગ કરી નાણાંની ગેરરીતિની આ તપાસમાં સરપંચના પતિએ તપાસનીસ અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હોવાનું ફરીયાદી જીજ્ઞેશભાઈએ જણાવ્યું હતું. જેમાં સરપંચના પતિએ હરેશ સેંજલિયા પંચાયતમાં સદસ્ય છે તો તેઓએ પોતાને ઉપસરપંચ બતાવી, હાલના ઉપસરપંચને બચાવ્યા છે. માટે સભ્યો દ્વારા ચૂંટેલ ઉપસરપંચ, તેના પતિ તેમજ સરપંચના પતિ પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.









