
તા.૨૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર શહેરની શાકભાજીની મુખ્ય બઝારના વિસ્તારમાં જ પાંચ જેટલી દુકાનોમાં ગેરકાયદેસર ધમધમી રહેલ કતલખાનાઓ સામે સ્થાનિકો હિન્દુ- મુસ્લિમોએ એકસંપ કરી વિરોધ નોંધાવી કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી.
ગેરકાયદેસર કતલખાનાઓ સામે હાઇકોર્ટ લાલ આંખ કરી આવા ગેરકાયદેસર કતલખાના સીલ કરવા માટે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ પંચાયતોને હુકમ કરેલ છે. પરંતુ હાઇકોર્ટના હુકમને પણ જેતપુર નગરપાલિકા ઘોળીને પિય ગઈ હોય તેવી ફરીયાદ જેતપુરની મુખ્ય શાકભાજી બઝારમાં વિસ્તારમાં રહેતા હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકોએ કરી હતી.
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની મુખ્ય શાકભાજી બઝાર વિસ્તારમાં આવેલ ઉધી શેરીમાં પાંચ જેટલા ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા છે. અને પશુ પ્રાણીઓની કતલ થઈ ગયા બાદ તેના વધેલા નકામા અવયવો આ દુકાનદારો ત્યાં દુકાન બહાર જ ફેંકતા હોય તે લોહીથી ખરડાયેલ અવયવો કુતરાઓ શેરીમાં આંગણામાં લઈને આવી જાય છે. આવી લોહીભીની ગંદકી રોજ ઘર આંગણે થતી થતી હોવાથી સ્થાનિકો ત્યાંથી હિજરત કરવાનું વિચારી રહ્યા છે. આ ગેરકાયદેસર કતલખાનાઓ સામે ભૂતકાળમાં ત્રણ ત્રણ નગરપાલિકાને રજુઆત કરી છે. પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ પગલાં લીધા ન હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત આ સ્થાનિકોમાં શરીફાબેન નામના એક મુસ્લિમ વૃદ્ધાએ જણાવેલ કે, અમેં માંસ આહાર કરીએ છીએ તેનો મતલબ એ નથી કે આમ ખુલ્લેઆમ અને રહેણાંક વિસ્તારમાં કતલખાનાઓ ધમધમે, જ્યારે રફીકભાઈ તાઈ નામના સ્થાનિકે જણાવેલ કે, અમારા એપાર્ટમેન્ટ નીચે જ ચારથી પાંચ જેટલા કતલખાનાઓ ખુલી ગયા છે જેને કારણે અમારી બેન દીકરીઓને પણ ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
જેથી ઉધી શેરીના હિન્દુ મુસ્લિમ બંને કોમના રહીશોએ એકજુટ થઈ ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા નગરપાલિકાના ચીફ ઓફિસરને મળીને રજુઆત કરી હતી.