
તા.૨૨ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા લીંબડા ચોક સ્થિત ગીતાંજલિ કોલેજ ખાતે કૌટુંબિક હિંસાખોરીથી સ્ત્રીઓના રક્ષણ બાબત અધિનિયમ-૨૦૦૫ અન્વયે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

આ સેમીનારમાં ૧૦૪ જેટલી મહિલાઓને દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા કૌટુંબિક હિંસાખોરીથી સ્ત્રીઓના રક્ષણ બાબત અધિનિયમ-૨૦૦૫, કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ)-૨૦૧૩ અન્વયે વિગતવાર મહિતી આપવામાં આવી હતી. આ સેમીનારમાં કેન્દ્ર સરકારની યોજના “સખી”વન સ્ટોપ સેન્ટર, રાજ્યસરકારની યોજનાઓ જેવી જે ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરુપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન, સંકટ સખી એપ્લીકેશન વિગેરે વિશે વિગતવાર માહિતી અપાઇ હતી.

આ સેમીનારમાં સોનલબેન રાઠોડ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી, સીમાબેન શીંગાળા, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી, એ.પી.સીપ્પી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર કૃપાબેન જોષી, “સખી” વન સ્ટોપ સેન્ટરના કાઉંન્સેલર, કલ્પનાબેન ચાવડા, સી ટીમના સભ્યો ઉપસ્થિત રહી બહેનોને કાયદાકીય બાબતો વિષે માહિતગાર કર્યા હતા. આ તકે ગીતાંજલી કોલેજના શ્રી શૈલેષભાઇ જાની તથા તેમની કોલેજના સ્ટાફે આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.









