RAJKOTRAJKOT CITY / TALUKO

રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિયોએ મહાસંમેલન યોજાયું, લાખો ક્ષત્રિયો ઉમટી પડ્યા

સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન નહીં : તૃપ્તિબા

અમે ઘરે જઈએ અને તમે બ્રેકિંગ ન્યૂઝ આપો કે રૂપાલા હટી ગયા : અશ્વિનસિંહજી સરવૈયા

હવે રૂપાલાભાઈને થતું હશે તે કોની ઝપટે ચડી ગયાઃ પદ્મિનિબા

રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય તો તમામ 26 બેઠકો પર થશે અસર : વાસુદેવસિંહ ગોહિલ

રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું ચાલી રહેલું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ખાતે ક્ષત્રિયોએ મહાસંમેલન યોજાયું છે. આ સંમેલનમાં ભાગ લેવા ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા છે. ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મહિપાલ સિંહ મકરાણા ઉપસ્થિત રહ્યા છે.
તૃપ્તિબા રાઉલે મહાસંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે, ‘સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન નહીં. આપણા જ સમાજના બીજા ભાઈઓને આપણને સમજાવવા મોકલવામાં આવી રહ્યા છે. લોહી તો એમનું પણ ઉકળતું હોય. પરંતુ એમની કોઈ મર્યાદા વચ્ચે આવતી હોય. સમાજનો મોટો પ્રશ્ન છે તેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. વિરોધ અને વિવાદના કારણે બેઠક પરથી ઉમેદરવાર બદલવામાં આવે, મંત્રી મંડળ પણ બદલવામાં આવે તો આતો બહેનો પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરે તો તેને કેમ ન બદલવામાં આવે. ટિકિટ રદ ન કરીને એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં નાતી જાતી પર કોઈપણ ટિપ્પણી કરી શકે?… આપણી લડાઈ લાંબી છે.
અશ્વિનસિંહજી સરવૈયાએ કહ્યું કે, ‘વગર આમંત્રણે ક્ષત્રિયો લાખોની સંખ્યામાં ભેગા થયા છીએ. એ પણ બે જ દિવસની મુદતમાં. હું મારા ક્ષત્રિય સમાજની લાગણી સમજું છું. આજે ભાજપ વાળા સમજતા નથી કે રૂપાલા તમને રૂપાળા કેમ લાગે છે. આખો સમાજ એક બાજું અને એક વ્યક્તિને હટાવી નથી શકતા. ભાજપને 400 પાર કરવા ટિકિટ જોઈએ છીએ. રાજપૂતોને ટિકિટ આપો તો 500 પાર થઈ જશે. આ સભા પૂર્ણ થાયને અમે ઘરે જઈએ અને તમે બ્રેકિંગ ન્યૂઝ આપો કે રૂપાલા હટી ગયા.
ક્ષત્રિયોએ કહ્યું કે, ‘અસ્મિતાની લડાઈ છે. આ સ્વાભિમાનનું આંદોલન છે. કોઈ જ્ઞાતિ કે પક્ષ સાથે લેવા-દેવા નથી. રૂપાલાએ મા-દીકરી વિશે શબ્દો વાપર્યા છે તેના માટે અમારું આંદોલન છે. રાજાઓએ રજવાડા આપી દીધા. અમારી તો માત્ર એક વ્યક્તિને બદલવાની માંગ છે. શાંતિનું આંદોલન છે. અહિંસક આંદોલન છે. કોઈને નુકસાન નથી પહોંચાડ્યું.’
આગેવાનોએ જણાવ્યું કે, ‘આ સંમેલનમાં ભાજપની સભાની જેમ કોઈ એસ.ટી. બસો રોકાઈ નથી, કોઈ ફૂડ પેકેટ સહિતની લાલચો નથી, જર્મન ડોમ નથી રાખવાના, સામ, દામ, દંડ, ભેદની નીતિ નથી, કોઈને હાજર રાખવા સરકારી અફ્સરો મારફત દબાણ કરાવાયું નથી કે પરિપત્રો જારી નથી કરાયા અને છતાં ક્ષત્રિય સમાજ સ્વયંભુ અને રોષભેર જંગી સંખ્યામાં ઉમટી પડશે. આ તમામનો ભાજપને એક જ મેસેજ રહેશે કે રૂપાલા જોઈએ છે કે લાખો-કરોડો ક્ષત્રિયોનો ટેકો જોઈએ છે? રૂપાલાને હટાવો અને તેની જગ્યાએ મરજી પડે તેવા કોઈ પણ ઉમેદવારને રાખો તો ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે અન્યથા ભાજપની સામે છે.

સંમેલનમાં આવતા ક્ષત્રિયોને એકદમ શિસ્ત અને શાંતિ જાળવવા, માર્ગમાં આવતા જતા પણ કોઈ સાથે અકારણ માથાકૂટ નહીં કરવા, ટ્રાફિક સહિતના નિયમો પાળવા, જે વાહનમાં આવતા હોય તેનો નંબર તથા ફોન નંબર લઈ લેવા, ધક્કામુક્કી ન થાય તે જોવા સહિતની સૂચનાઓ અપાઈ છે તો રાજકોટ પોલીસ તંત્ર પણ એલર્ટ બની ગયું છે અને બીનજરૂરી બળપ્રયોગ કે ઘર્ષણ ટાળવા અંદરખાને સૂચના અપાયાનું જાણવા મળે છે.

આંદોલન ચલાવતી સંકલન સમિતિના સૂત્રો અનુસાર તા. 16ને મંગળવારે રૂપાલા ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. ત્યાં સુધી હજુ ભાજપ લાખો ક્ષત્રિયાણીઓ, ક્ષત્રિયોની લાગણી સમજશે તેવી આશાનું કિરણ છે, ત્યારબાદ જલદ્ કાર્યક્રમો અપાશે કારણ કે અમે ઝૂકવાના નથી કે માફી આપવાના નથી એ નક્કી છે.’
રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી રાજપૂત સમાજ જે કંઈ અનુભવી રહ્યો હતો, જેની લાગણીઓને ઠેસ પહોંચતી હતી, એ બધું ધીમે ધીમે ભેગું થયું અને 23 તારીખે ભૂકંપ જેવો બફાટ થયો. મને એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, જ્યારે જ્યારે ભૂકંપ થાય ત્યારે નવસર્જન થાય છે. સાચી વાત છેને? કચ્છમાં નવસર્જન થયું છે, એટલે આપણે ત્રણ-ચાર વસ્તુઓ સમજવાની છે. ત્રણ-ચાર વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે.
23 તારીખે જે કંઈ બનાવ બન્યો અને બનાવ બન્યા પછી જે કંઈ માફીના નાટકો થયા એ હજુ ચાલુ છે. આપણે એ સમજવાનું છે, પ્રશ્ન કોણે ઉભો કર્યો? પ્રશ્નમાં રાજકારણ કોણે કર્યું? પ્રશ્નને વધારે મોટો કોણે બનાવ્યો? આમા અમે ક્યાં? તમે બારોબાર ગમે એટલા સમાધાન કરો. જેના માટે પ્રશ્ન છે એને તમે ક્યાંય વચ્ચે રાખ્યા? એને ક્યાંય પૂછ્યું? માફી આપવાનો સત્તા આ સમાજને છે. બીજા બારોબાર ગમે તે વાતો કરે એ સમાજને કેવી રીતે મંજૂર હોય? આપણે જે લડતની શરૂઆત થઈ અને પછી એવું લાગ્યું કે, ભૂતકાળમાં જે કંઈ થયું તે લડત કોઈ અલગ અલગ માર્ગે ફંટાઈ ન જાય તે માટે 28 માર્ચે અમદાવાદમાં મિટિંગ રાખી અને આ લડતની કમિટી બનાવી. જે કંઈ લડત ચાલી તેમા ત્રણ-ચાર બાબતો ખૂબ મહત્વની હતી.
અત્યાર સુધી મોટા ભાગના લોકો એવું સમજે છે કે, આ એક સંસદસભ્યની ટિકિટ રદ કરાવવા પૂરતો મામલો છે. પણ એ તો ફરજિયાત પ્રશ્ન છે. ભારત દેશમાં છેલ્લા થોડા સમયથી નૈતિક અધઃપતન થઈ રહ્યું છે તેને અટકાવવાની જવાબદારી તો કોઈએ લેવી પડશેને? એને કોણ અટકાવશે? એના માટે જ આ તૈયારી કરી છે. મીડિયા અને બુદ્ધિજીવી લોકો પણ આ વાતને સમજ્યા છે. આ એક સામાજિક લડત છે અને અન્ય કોઈ દોરીસંચાર કે રાજકારણ નથી. આપણી જવાબદારી છે કે અત્યાર સુધી જે ધૈર્ય રાખ્યું, કુનેહ વાપરી કે જે આયોજનો કર્યા. પરંતુ હવે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકશાહીઢબે આપણે આપણું કામ કરવાનું છે. કાયદાની મર્યાદામાં કરવાનું છે, શિસ્તબદ્ધ રીતે કરવાનું છે.

આ બધા કાર્યક્રમો સ્વયંભૂ ચાલે છે. એક એક ક્ષત્રિય આ લડત લડી રહ્યા છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને ત્રણ-ચાર વાત આપની સમક્ષ મૂકું છું. સૌથી પહેલી વાત ટિકિટ રદ એટલે રદ, એમા બીજી વાતચીતની જરૂર નથી લાગતી. આગળની વાત માટે ત્રણ-ચાર બાબતનું અનુશાસન આપણે કરવું પડશે. સૌથી પહેલા એકતા જાળવી રાખશો? સંકલન સમિતિમાં વિશ્વાસ રાખશો? સંકલન સમિતિનો આદેશ માનશો? આ આયોજન સમગ્ર ક્ષત્રિય સમાજ વતી થઈ રહ્યું છે અને કોઈ રાજકારણ નથી.
‘હવે 400 પાર નહીં, નદી પાર’ ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ સ્ટેજ પરથી ‘જય માતાજી’ બોલતાની સાથે જ તમામ હાજર સમાજના લોકો પણ એક સૂરે જય માતાજી બોલતા મેદાન ગુંજી ઉઠ્યું હતું. જે બાદ તેમણે જય માતાજી…રાજપૂત એકતા…રાજપૂત એકતા…જય ભવાની…આટલી તાકાત એકઠી થઈ ગઈ છે તો ભગવાન પણ નીચે આવશે તેવું જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, આપ સૌ વતી ગુજરાતના એક એક ગામના ખૂણે ખૂણેથી પધારેલા સૌનું સ્વાગત કરું છું, વક્ત બદલતા હૈ, લેકીન રક્ત નહીં બદલતા… લાખો કે કરોડોની ધન દૌલત દાનમાં આપે તેને દાતાર ચોક્કસ કહી શકાય પણ જે હસતા મુખે રજવાડા દાનમાં આપે એને દરબારો કહેવાય છે, દરબારોનો અવતાર કિંમતથી નહીં કિસ્મતથી મળે છે. કોઈએ આપણા વડીલને પૂછ્યું કે દરબારોની સંખ્યા ઓછી કેમ છે? વડીલે શાંતિથી જવાબ આપ્યો કે, આ પ્રકૃતિનો નિયમ છે જો દરબારની વસતિ વધી જાયને તો આમ સમાજને તકલીફ પડે એટલે ઓછી છે, કોણ કહે છે ક્ષત્રિયો સંગઠીત નથી. અમારી આન, બાન અને શાનની વાત આવે છે ત્યારે આ સમાજ સંગઠીત થઈને બહાર આવ્યો છે. આજે આઝાદીના 75 વર્ષ થયા છે, રૂપાલા સાહેબ અમારી કટાયેલી તલવારો ડોકા કાપવા તૈયાર છે, કોઈ અમારી સામે તૈયાર થાય તો અમારો કોઈ સમાજ સામે વાંધો નથી. અમારી ફક્ત લડત રોટી-બેટી અને અસ્મિતા સામે વાંધો છે. રૂપાલાને સમગ્ર ગુજરાતમાં ટિકિટ ન મળવી જોઇએ, આ ફેરફાર કરવામાં નહીં આવે તો ગુજરાતની 26 લોકસભા સીટ પર અમારા મતો વિરોધમાં પડશે તેની હાકલ કરી રહ્યા છીએ. ગુજરાતના સીમાડા વટીને આ સમાજ યુપી, રાજસ્થાન અને હરિયાણા સુધી પ્રસર્યો છે.
રાજકોટ જ નહીં, 26 સીટ પર અસર થવાની છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની વાત કરું તો આ બે જિલ્લામાં ક્ષત્રિય સમાજના નિર્ણાયક મતો છે. આ નિર્ણાયક મતો જો એકત્ર થઈને પડશે તો રિઝલ્ટ બદલવાની તાકાત છે. સમગ્ર હિન્દુસ્તાનમાં કરણીસેના આપણું સંગઠન છે. બીજુ સંગઠન ક્ષત્રિય મહાસભા છે. આ સંગઠનોને કારણે આંદોલન ગુજરાતને બદલે ગુજરાતના સીમાડા વટાવી બહાર ગયું છે. દેશના બીજેપીના નેતાઓ આંખ ઉઘાડીને જુએ જે 400 પારની વાત કરે છે ને એ 400 પાર નહીં પણ હવે તો નદી પાર થાવ. પ્રચારરૂપે ઠલવાઈ જાવ, નદીને પાર કરો. આ ક્ષત્રિયોનો ઇતિહાસ ઘણો મોટો છે. હજારો વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે એ રાજના સીમાડા વટાવવા માટે નહીં પણ પ્રજાના કલ્યાણ માટે, બહેન-દીકરીઓ માટે, ધર્મ માટે અને મંદિરોના રક્ષણ માટે સમાજે અનેક બલિદાનો આપ્યા છે. સોમનાથ દાદાની ધજા હમીરસિંહ ગોહિલના બલિદાનથી ફરકે છે. શ્રીનાથજી મંદિરની મૂર્તિ આ સમાજના વીર દુર્ગદાસ જેવા 50 હજાર કરવા વધુ ક્ષત્રિયોએ બલિદાન આપ્યા એટલે મૂર્તિ અખંડિત છે. આવા અનેક ઇતિહાસ છે.

ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીએ દેશની એકતા અને અખંડિતતા માટે 3 સેકન્ડમાં પોતાના 1800 પાદર આપી દીધા. જ્યારે તમે એક ટિકિટ પાછી ખેંચી શકતા નથી. 17 ડિસેમ્બર, 1947ના દિવસે દિલ્હી, બિરલા હાઉસમાં મહાત્મા ગાંધી સાથે 10 મિનિટની વાતચીતમાં 1800 પાદર આપી દેવાની વાત કરી. મહાત્માગાંધીએ એટલું જ પૂછ્યું કે, તમે તમારા બાળકોને, ભાઈઓને અને મહારાણીને પૂછ્યું છે? મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એટલું જ કીધું કે, અમારા ઘરના જે કોઈ વડીલો નિર્ણય કરે એ અમારા કુટુંબને માન્ય હોય એ અમારા સંસ્કારની પરંપરા છે એટલે અમારે કોઈને પૂછવું નથી. 31 ઓક્ટોબર, 2019ના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઓપનિંગ કર્યું હતું ત્યારે કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે આ દેશના 562 રજવાડાના પણ મ્યૂઝિયમ બનશે આ વાતને 7-8 વર્ષ થઈ ગયા પણ હજુ ગ્રાન્ટ ફાળવી નથી. આ મુદ્દો પણ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવા અને જામનગરના મહારાજા જામ રણજીતસિંહજીના નામનું સ્ટેડિયમ બનાવવાની પણ અમારી માંગણી છે.
રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડાએ જણાવ્યું હતું કે, રાજપૂત સમાજને શોભે એવી શિસ્તથી વર્તન કરવાની વિનંતિ કરવા આવ્યો છું. હમ સબ એક હૈ, કાઠી, નાડોદા, રાજપૂત, માલધારી, ભરવાડ અને પાટીદાર આ તમામ સમાજે આજે આપણને નારી અંગે રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે તેના મામલે તમામ સમાજનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ તમામ સમાજને આવકારું છું. અન્ય ક્ષત્રિય અગ્રણીએ કહ્યું કે, ભાજપનું મોવડી મંડળ પણ આ નજારો જોતું હશે. દિલ્હી સુધી પડઘો પડવો જોઇએ. આ સ્વયંભૂ ઉભો થયેલો સમાજ છે. આખા ભારતના ખૂણેખૂણેથી ભાઈઓ અને બહેનો તથા બાળકો ઉપસ્થિત થયા છે.
રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી લોકો આવવાના શરૂ થયા છે, જેને લઈને રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. મહાસંમેલનને લઈ DYSP અને PI કક્ષાના સાત ક્ષત્રિય અધિકારીઓને બંદોબસ્ત અર્થે રાજકોટ મૂકવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ અધિકારીઓ અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચૂક્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button