
તા.૧૪ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અત્યાર સુધીમાં ૨,૬૩,૧૩૬ નિરાધાર અને અબોલ પશુઓને સારવાર આપતી “૧૯૬૨ સેવા”
આરોગ્યક્ષેત્રે અગ્રેસર ગુજરાતની સંવેદનશીલ સરકાર નાગરિકોના આરોગ્યની સાથે સાથે અબોલ અને નિરાધાર પશુઓના આરોગ્યની પણ દરકાર લઇ રહી છે. રાજ્યના પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થના ઉપક્રમે રાજ્યભરમાં કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી કાર્યરત છે, જે પશુઓને નિઃશુલ્ક આરોગ્ય સેવા પુરી પાડે છે.

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ જિલ્લાની કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીની કલેકટર કચેરી ખાતે મુલાકાત કરી હતી. જેમાં કલેકટર સાહેબે સ્વયં ૧૯૬૨માં કોલ કરીને એમ્બ્યુલન્સ કલેક્ટર ઓફીસે બોલાવી કામગીરીની સમીક્ષા કરી હતી. ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા અપાતી સેવાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. કોલનો તાત્કાલિક રિસ્પોન્સ મળતા સાહેબે આરોગ્યકર્મીઓની સેવાની પ્રસંશા કરી હતી.૧૯૬૨ એમ્બ્યુલન્સ તથા મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ જુદાજુદા પ્રકારની દવાઓ, અબોલ પશુઓને આપવામાં આવતી સારવાર, જરૂર પડયે પશુઓની સર્જરી કઈ રીતે થાય, સર્જરી માટેનાં આધુનિક સાધનો, કોલર રિસ્પોન્સ સહીતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

૧૯૬૨ના જિલ્લા સુપરવાઈઝરશ્રી જયદેવભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હાલ ૨ સહીત સમગ્ર ગુજરાતમાં હાલ ૩૭ જેટલી કરુણા ૧૯૬૨ એમ્બ્યુલન્સ, જયારે મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સ રાજકોટ જિલ્લામાં ૧૯ સહીત ૪૬૦ કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં ૧૯ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી દ્વારા ૨૧૦ જેટલા ગામડાઓમાં પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. માર્ચ – ૨૦૨૩ માં ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા ૫૧૪ પશુ સહીત અત્યાર સુધીમાં ૨૫,૯૨૨ તથા મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સ દ્વારા માર્ચ – ૨૦૨૩માં ૭૫૬૬ પશુ સહીત અત્યાર સુધીમાં ૨,૬૩,૧૩૬ નિરાધાર અને અબોલ પશુઓને સારવાર આપવામાં આવી છે. જેમાં ૨૮૯૭૪ પશુઓને તાત્કાલિક ઈમરજન્સી સારવાર આપવામાં આવી છે. જેમાં ગાય, ભેંસ,બળદ, કૂતરા, બકરી, ઘેટાં,જેવા તમામ પશુનો સમાવેશ થાય છે. આ તકે કલેક્ટરશ્રીએ અબોલ અને નિરાધાર પશુની વધુ માં વધુ સુદ્રઢ સારવાર આપવામાં આવે તે માટે આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા.








