
તા.૧૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પાયાના શિક્ષણને વધુ સુવિધાયુક્ત બનાવવા અત્યાધુનિક વિશાળ આંગણવાડીનું નિર્માણ કરાયું
રાજકોટ જિલ્લાના શાપર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના હસ્તે અદ્યતન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ આંગણવાડી એલ.એસ ગોહિલ ફાઉન્ડેશન દ્વારા નિર્માણ કરવામાં આવી છે અને ગ્રામ પંચાયત, શાપર દ્વારા આ માટે વિશાળ જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. નવનિર્મિત આંગણવાડી સંભવતઃ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક સુવિધાસજજ આંગણવાડી છે, જે અંદાજે ૩૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી છે.
બાળકો માટે પાયાના શિક્ષણની મહત્તા ખૂબ જરૂરી છે, તેના થકી જ એક નાગરિક અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો પાયો નંખાય છે ત્યારે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે આશયથી પ્રાઇવેટ નર્સરીઓ કરતા પણ વધુ આધુનિક અને સુવિધાયુક્ત આંગણવાડીનું નિર્માણ શાપર ખાતે કરવામાં આવ્યું છે.
આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ એલ.એસ.ગોહિલ ફાઉન્ડેશનને શુભેચ્છા પાઠવી પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આગવા સ્તુત્ય પગલા બદલ પ્રશંસા કરી હતી.

આ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે ટી. વી અને મ્યુઝિક સિસ્ટમની સુવિધાયુકત મોટો હોલ, બાળકો માટે જુદી જુદી પઝલ, બાળકો સુવિધાયુકત માટે બેઠકો, ફર્સ્ટ એઇડ બોકસ, ફાયર સેફ્ટીની સુવિધા,આર.ઓ.સિસ્ટમ તેમજ પાણીના સ્ટોરેજ માટે મોટર અને પાણીની ટાંકીની વ્યવસ્થા વગેરે સવલતો સામેલ છે. તેમજ સમગ્ર પરિસરમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને અનુરૂપ પેઇન્ટિંગ કરવામાં આવેલ છે. બાળકોને ઇન્ડોર રમત માટે ૧ રૂમ, આઉટડોર રમતો માટે સાધનો સહિતનો પ્લે એરીયા, નાસ્તા તેમજ ભોજન માટે કિચન તેમજ સ્ટોર રૂમની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કમ્પાઉન્ડમાં લીમડો, આંબળા, ચીકુ, દાડમ, આંબો, નાળીયેરી, વિગેરે જેવા વૃક્ષો ઉપરાંત, કિચન ગાર્ડન તથા ન્યૂટ્રી ગાર્ડન પણ છે.

આ લોકાર્પણ પ્રસંગે કોટડાસાંગાણીના તાલુકા પંચાયત પ્રમુખશ્રી અરવિંદભાઇ સિંધવ, કોટડાસાંગાણી શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ગીતાબેન ટીલાળા, બાળ સમિતિના સભ્ય અલ્પાબેન તોગડીયા, શાપરના સરપંચ જયેશભાઇ કાકડીયા, શાપર ગ્રામપંચાયતના સભ્ય અશ્વિનભાઇ ગઢીયા, કોટડાસાંગાણીના તાલુકા વિકાસ અધિકારી રોનકભાઇ ઠોરિયા, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રી નાથ, એલ.એસ.ગોહિલ મેમોરિયલ ફાઉન્ડેશનના મેનેજીંગ ડાયરેક્ટર હસમુખભાઇ ગોહિલ, શક્તિમાન કંપનીના એચ.આર.ગુણાકર રાવ, સી.ડી.પી.ઓ સાવિત્રી નાથ. તથા બાળ વિકાસ અધિકારી પૂજાબેન જોશી, અગ્રણી ધર્મેન્દ્રભાઇ ટીલાળા, આંગણવાડી કેન્દ્રના બહેનો, બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.









