સનાતન ધર્મ મહાસંમેલનમાં મોરારીબાપુએ નામ લીધા વગર સંપ્રદાય પર પ્રહારો કર્યા

રાજકોટના ત્રંબા ગામે 11 જૂને સનાતન ધર્મનું મહાસંમેલન યોજાયેલ. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ સહિતના સંતોના અધ્યક્ષસ્થાને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં, ગુજરાતભરમાંથી સંતો-મહંતો મહામંડલેશ્વરો-કથાકારો હાજર રહ્યાં. સાથે જ મોરારીબાપુ, ભાઈશ્રી રમેશ ઓઝા સહિતના કથાકારો પણ સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં. સનાતન ધર્મનું મહાસંમેલનમાં મોરારીબાપુએ નામ લીધા વગર સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહારો કર્યા હતા.
મોરારીબાપુએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ. અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો.
જગદગુરુ આદિ શંકરાચાર્ય, પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ.
મોરારીબાપુએ કહ્યું કે અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટ્લે હવે અમારે ઉભુ થવું પડ્યું છે. ભગવાન રામ, કૃષ્ણ, શિવ, સૂર્ય, ગણેશ, હનુમાનજી, ભગવાન વ્યાસ સનાતન છે તેનો નાશ કોઈ નહીં કરી શકે.
મોરારીબાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના સંપ્રદાય આડે હાથ લીધો. તેમણે કહ્યું કે ઘાટ પણ બાંધવો છે, ગંગાનું પાણી પીવું છે તેમાં ન્હાવું છે,પાપ પણ ધોવા છે પરંતુ ઘાટને મહાન ગણવો છે. પોતાને મહાન ગણવા છે. આ બધુ અજાણતા નહીં પરંતુ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. આપણે આ પરિવર્તન લાવવું જોઇશે.