
તા.૨૭ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
શાળાએ ન જતાં બાળકોને પણ ટીડી(ટિટેનસ-ડીફથેરીયા)રસીથી રક્ષણ મળશે
પોલિયો, કોરોના, કમળો, હડકવા વગેરે જેવી ગંભીર બીમારીઓ સામે રાજયના નાગરિકોને રક્ષણ આપવા માટે રાજયસરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી TD(ટિટેનસ અને ડીફથેરીયા) રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યની ૫૧,૬૬૭ શાળાઓમાં ધો. ૫ અને ૧૦ મા અભ્યાસ કરતા રાજ્યના ૨૩ લાખ વિદ્યાર્થીઓમાં TD (ધનૂર અને ડિપ્થેરીયા)નું રસીકરણ કરીને તેમને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવામાં આવશે.

આ અભિયાન અન્વયે રાજકોટ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એન.એમ.રાઠોડના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં ઝુંબેશ સ્વરૂપે બાળકોમાં ટી.ડી. વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જે અન્વયે આરોગ્ય કર્મચારીઓની ટીમ દરેક શાળાઓની મુલાકાત લઈ બાળકોને રસી આપશે. શાળાએ ન જતાં બાળકો માટે વધારાના આઉટરીચ સેશનનું આયોજન કરી તમામ બાળકોને ટી.ડી. રસીકરણ અંતર્ગત આવરી લેવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં અંદાજિત ૧૩૦૦થી વધુ પ્રાથમિક શાળાઓ અને ૪૫૦ થી વધુ હાઈસ્કૂલમાં આ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. ધો.પના અંદાજીત ર૯૦૬૯ થી વધુ બાળકો અને ધો.૧૦ ના અંદાજિત ર૦૭૮૩ થી વધુ બાળકો તથા ૧૬ વર્ષની ઉંમરના અંદાજિત ૨પરર બાળકોને આ રસી આપવામાં આવશે. આમ આ વય જૂથના આંદાજીત ૪૯૦ર૯ થી વધુ બાળકોને આવરી લઇ તેમને ટીટેનસ અને ડિપ્થેરિયા જેવા પ્રાણ ઘાતક રોગો સામે રક્ષણ અપાશે.
આ સમગ્ર કામગીરીના આયોજન અને અમલીકરણ માટે કલેક્ટરશ્રી પ્રભવ જોષી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગના જિલ્લા પ્રાથમિક શિક્ષણ આધિકારીશ્રી અને તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણ આધિકારીઓ મારફતે સરકારી ઉપરાંત ખાનગી શાળાઓ સાથે સુવ્યવસ્થિત આયોજન કરાયુ છે. પોતાના બાળકને આ રસી સમયસર મુકાવવા માટે દરેક વાલીશ્રીઓને આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.








