DHORAJIRAJKOT

રાજકોટ જિલ્લામાં વાવાઝોડાના પગલે રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ

તા.૧૯ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

બિપરજોય વાવાઝોડાને કારણે રાજકોટ જિલ્લામાં વરસાદી પાણીના કારણે રોગચાળો ફેલાતો અટકાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીનાં દિશાનિર્દેશ મુજબ આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નિલેશ રાઠોડની આગેવાનીમાં એન્ટીલાવરલ કલોરિનેશન અને હાઉસ ટુ હાઉસ સર્વેની આરોગ્યલક્ષી કામગીરી દરેક તાલુકામાં કરવામાં આવી રહી છે.

વાવાઝોડાથી સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકામાં વરસ્યો છે ત્યારે ધોરાજી તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી ડો.પુનિત વાછાણીનાં જણાવ્યાનુસાર, ધોરાજી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંતર્ગત આવતા ગામોમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશા વર્કર સહીતની આરોગ્ય ટીમ દ્વારા મચ્છરજન્ય રોગો તથા પાણીજન્ય રોગો જેવાં કે મેલેરિયા, ટાઈફોઈડ, હિપેટાઈટીસ, કોલેરાની સામે નાગરિકોને રક્ષણ મળી રહે તેમજ વાવાઝોડાં બાદ રોગચાળો ન ફેલાય, તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા ઘરના ટાંકા, ગામના ટાંકા અને સંપમાં એન્ટીલાવરલ કલોરિનેશન, ક્લોરીનેશન ટેસ્ટિંગ, હાઉસ ટુ હાઉસ આરોગ્યલક્ષી સર્વેની કરવાની કામગીરી મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝરના સુપરવિઝન હેઠળ કરવામાં આવી રહી છે. સાથે સાથે ગ્રામજનોને રોગચાળાથી બચવા માટે તાજો ખોરાક, પાણી ઉકાળીને તથા ગાળીને પીવું, મેલેરીયા થતો અટકાવવા માટે આજુ બાજુમાં પાણીનો ભરાવો ન રાખવા, નાના નાના ખાબોચીયાને પૂરી દેવા તથા દવાયુક્ત મચ્છરદાનીનો જ ઉપયોગ સહિતનું જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકોને તાવ હોય તો આરોગ્યકર્મીઓ પાસે લોહીની તપાસ વિનામૂલ્યે કરાવી શકે છે તથા મેલેરિયાની અસર જોવા મળે તો સત્વરે નજીકના આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ ખાતે જઈ યોગ્ય સારવાર કરાવવી આવશ્યક છે.

[wptube id="1252022"]
Back to top button