
તા.૨૩/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બાળકોએ તૈયાર કરેલી કૃતિઓ બાળમેળામાં પ્રદર્શિત કરાઈ
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલના ઘટક-૧ની આંગણવાડીમાં બાળક પાલક કાર્યક્રમ અંતર્ગત શાળાકીય પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સાથે નવા બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું.
આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વપ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા, વાલીઓને માહિતગાર કરવા અને આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલા બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા માટે બાળકો અને વાલીઓ માટે સંયુક્ત પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે.
જેના ભાગરૂપે ગોંડલ ઘટક-૧ની આંગણવાડીમાં બાળકોને લેખન, વાચન, ગણન શીખવવા સાથે બાળકો સમૂહમાં ભળે અને આંતરિક શિસ્ત કેળવે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો સાથે તેમના પરિવારજનો પણ જોડાયા હતા. બાળકો દ્વારા તૈયાર કરાયેલી કૃતિને બાળમેળામાં પ્રદર્શિત કરવામાં પણ આવી હતી.
ગોંડલ ઘટક-૧ના બાળવિકાસ યોજના અધિકારી સુશ્રી સોનલબહેન ડી. વાળા, મુખ્ય સેવિકા પીન્ટુબહેન દવે, વર્ષાબહેન ભટ્ટ, નયનાબહેન મહેતા, મુક્તાબહેન, નયનાબહેન સિંહાર તથા પી.એસ.ઈ. ઇન્ટ્રક્ટર ધવલભાઈ પરમાર તેમજ આશાવર્કર બહેનોના સહિયારા પ્રયાસથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.