DHORAJIJETPURRAJKOTVINCHCHHIYA

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધોરાજીના મહેસૂલ સેવા સદન, વિછીયા તાલુકા પંચાયત ભવન તથા જેતપુરના પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ

તા.૨૫ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં શરૂ કરેલ જાહેર બાંધકામોના નવ સંસ્કરણ અન્વયે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજિત ૫૭૦૦ પોલીસ આવાસો તૈયાર થયા છે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

રાજકોટ જિલ્લાને મળેલી રૂ. ૬ કરોડથી વધુના ખર્ચે બનેલ ધોરાજી મહેસુલ સેવા સદન, રૂ. ર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિછીયા તાલુકા પંચાયત ભવન તથા જેતપુર ખાતે રૂ. ૮૩૫.૮૩ લાખના ખર્ચે બનેલ પોલીસ આવાસોની સુવિધાઓ

રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે મહેસૂલ સેવા સદનના પ્રાંગણમાં વિવિધ વિકાસ કાર્યોનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ધોરાજી ખાતે નવનિર્મિત મહેસૂલ સેવા સદન, વિછીયા તાલુકા પંચાયત ભવન તથા જેતપુરના નવનિર્મિત પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ અને તકતીનું ઇ-અનાવરણ કર્યું હતુ. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં સુશાસનની અસરકારક પ્રણાલિ અપનાવી છે. આઝાદીના અમૃતકાળે આત્મનિર્ભર

ભારત સાથે આત્મનિર્ભર ગુજરાતની નેમને સાકાર કરતું ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ રાજ્ય સરકારે રજૂ કર્યું છે. સરકારે આપેલ બજેટ ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાને ઊંચેરા શિખરો સુધી પહોંચાડનારું છે.

પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં શરૂ કરેલ જાહેર બાંધકામોના નવ સંસ્કરણ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજિત ૫૭૦૦ પોલીસ આવાસોનું નિર્માણ થયું છે. તેમજ આ વર્ષના બજેટમાં ૩૧૫ કરોડની જોગવાઈ આ માટે કરવામાં આવી છે. જેતપુર ખાતે આ નવા આવાસના નિર્માણથી પોલીસ પરિવારોની સુખાકારીમાં વધારો થશે.

સરકારી તંત્રમાં જમીન-મહેસૂલ સેવામાં સરળીકરણ, ડિજીટાઈઝેશન અને પારદર્શિતા લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ સદનના નિર્માણથી લોકોની સુવિધામાં વધારો થશે અને એક જગ્યાએથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા ૨.૫ લાખથી વધુ મહિલાઓને તેમના નામે નોંધાયેલ દસ્તાવેજોને આધારે ૩૦૦ કરોડથી વધુ કરની માફી આપવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ વિસ્તારોમાં જનતાની સરળતા માટે કચેરીઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અનેક વિકાસકાર્યો આપણા વિસ્તારમાં પણ થઈ રહ્યા છે.

જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રી ભુપતભાઈ બોદરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમજ પ્રાંત અધિકારીશ્રી જે. એન. લિખીયાએ આભારદર્શન કર્યું હતું.

ઈ-તકતીના અનાવરણ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ રીબીન કાપી સદન પ્રવેશ કર્યોં હતો અને સુવિધાસજ્જ સદનનું નિરીક્ષણ કર્યું હતું.

ધોરાજી મહેસૂલ સેવા સદન રૂ. ૬.૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પાર્કિંગ, કોન્ફરન્સ રૂમ, રેઇન વોટર હાર્વેસ્ટીગ સિસ્ટમ, ફાયર સેફ્ટી વગેરે સુવિધાઓ છે. આ સદન માં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ સિટી સર્વે ઓફિસ કાર્યરત થશે.

જેતપુર ખાતે પોલીસ આવાસ રૂ. ૮.૩૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આ આવાસો ૨ બેડરૂમ હોલ કિચન, બાલ્કની, શેડ પાર્કિંગ, બાળકો માટે ક્રીડાંગણ વગેરે સુવિધાઓથી સજ્જ છે. ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ અંતર્ગત જેતપુર ખાતે કક્ષા બી-૪૮ (પી+૬) પોલીસ આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિંછીયા ખાતે તાલુકા પંચાયતમાં માળખાકીય સુવિધા વધારવા તેમજ લોકોની સરળતા માટે બનાવાયેલું નવું અને અધ્યતન તાલુકા પંચાયત ભવન બે માળનું છે.

૬૧૦ ચોરસ મીટરમાં ૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવા તાલુકા પંચાયત ભવનના ગ્રાઉન્ડ ફ્લોરમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રીની તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીની આધુનિક સુવિધા સાથેની ચેમ્બર બનાવવામાં આવી છે. તથા ચેરમેનશ્રીઓની ચેમ્બર, જન સેવા કેન્દ્ર, વેઇટીંગ રૂમ, લેડીઝ અને જેન્ટસ ટોઈલેટ બ્લોક, વિકલાંગો માટેનું ટોઈલેટ, વોટર રૂમ તેમજ વિવિધ શાખાઓ માટેનાં કક્ષ બનાવવામાં આવ્યા છે. તેમજ આ ભવનનાં પ્રથમ માળે અધ્યતન મિટિંગ હોલ અને બાકી રહેતી શાખાઓને સમાવવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓના પદાધિકારીઓ તેમજ પક્ષના અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ. એમ. ભાસ્કર તેમજ સબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button