
તા.૧૯ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાત પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસનાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨” સેવા અનાથ અને અબોલ જીવ પ્રત્યે સંવેદના દાખવી પશુ આરોગ્યની જાળવણી કરી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલા પેડક રોડ વિસ્તારની “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨” દ્વારા તાજેતરમાં જ નાળામાં ગરકાવ રખડતા અનાથ વાછરડાને બહાર કાઢી ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવી હતી.

આ સેવાના ડિસ્ટ્રિક્ટ ઓફિસરશ્રી જયદેવ ગઢવીના જણાવ્યાનુસાર, રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં નાળામાં ગરકાવ થયેલાં અબોલ વાછરડાને જોઈ જાગૃત અને સેવાભાવી નાગરિક એવા દિપકભાઈએ તાત્કાલિક એનિમલ હેલ્પલાઈન નંબર “૧૯૬૨”માં કોલ કર્યો. પેડક રોડ લોકેશન સ્થિત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સમાં ફરજ પર હાજર ડો. મેહુલભાઈ ધોકીયા અને પાયલોટ પરવેઝભાઈ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગયા હતા. વાછરડાને નાળામાંથી બહાર કાઢી જરૂરી ઈન્જેક્શન અને સારવાર આપ્યા બાદ વાછરડાએ ઉભું થઈ ખાવા – પીવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ ૧૯૬૨ની ટીમ દ્વારા સંવેદના દાખવી તેને સુરક્ષિત અને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ગુજરાત સૌપ્રથમ રાજ્ય છે, જ્યાં પશુઓ માટે ઓનકોલ “૧૯૬૨” નંબર પર કોલ કરવાથી પશુઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવે છે.









