
તા.૧૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સંભવિત બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા આવશ્યક સૂચનો આપ્યા
રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ પડધરી ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંભવિત બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓને આવશ્યક સૂચનો આપ્યા હતા.

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આરોગ્ય કેન્દ્રો ખાતે એક્સ-રે રૂમ, જનરેટર રૂમ, લેબોરેટરી રૂમ, એન.બી.એસ.યુ. રૂમની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટરશ્રીએ બ્લડ સ્ટોરેજ રૂમમાં લોહી તેમજ ફાર્મસી રૂમમાં દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં રાખવા તાકીદ કરી હતી. તેમજ જરૂર પડે તો સેવાભાવીઓની મદદ લઈ વધારે એકસ રે મશીન ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું.

વધુમાં, કલેકટરશ્રીએ આરોગ્ય કેન્દ્રના મહેકમ, બાંધકામ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. અને આરોગ્ય કેન્દ્રના સાધનોની તપાસણી કરી રેકોર્ડ અને રજીસ્ટર નિયમિતપણે નિભાવવા સૂચના આપી હતી. તેમજ કલેકટરશ્રીએ આરોગ્ય કેન્દ્રમાં આવેલા દર્દીઓ સાથે તેમના સ્વાસ્થ્ય અંગે વાતચીત કરી સારવાર લઈ સ્વસ્થ થવા શુભેચ્છા આપી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંક, પડધરી મામલતદારશ્રી કૃષ્ણસિંહ ચુડાસમા સહિતના અધિકારીઓ તેમજ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડો. વિશાખાબેન ચાવડા, સુપ્રીડન્ટશ્રી ડો. જુહીબેન સોનગરા, ડો. પ્રશાંતભાઈ ઠાકર સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.








