JETPURRAJKOT

Rajkot: સીડ રીપ્લેસમેન્ટ રેટ (SRR) યોજનાનો લાભ લેવા ખેડૂતોને અપીલ

  1. તા.૨/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ખેતી પાકોના વધુ અને ગુણવતાયુક્ત ઉત્પાદન માટે વર્ષ ૨૦૨૪-‘૨૫માં સીડ રીપ્લેસમેન્ટ રેટ (SRR) યોજના અમલી બનાવાઈ છે. રાજ્યમાં ખેડૂતો વિવિધ મહત્વના ખેતી પાકોમાં જુની/પરંપરાગત જાતોનું વાવેતર કરતા હોય છે. જુની/પરંપરાગત જાતોનું સમયાંતરે બીજ રીપ્લેસમેન્ટ ન થવાના કારણે વધુ અને ગુણવતાયુક્ત ઉત્પાદન આપવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળતો હોય છે. જેથી, ખેતી પાકોના વધુ અને ગુણવતાયુક્ત ઉત્પાદન પર માઠી અસર પડે છે.

જે સંદર્ભે સરકાર દ્વારા ખેડુતોને ખેતી પાકોનું ગુણવતાયુક્ત બિયારણ મળી રહે, વધુ ઉત્પાદન આપતી નવી જાતો અપનાવી તેનો વ્યાપ વધે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય તેમજ સીડ રીપ્લેસમેન્ટ વધે તે માટે જુદા-જુદા ખેતી પાકોના (મગફળી ડોડવા, મગફળી દાણા, સોયાબીન, ડાંગર, દિવેલા, તલ, મકાઈ, મગ, અડદ, તુવેર, મઠ, ચણા, ઘઉં, રાયડો, બાજરા, જુવાર અને રાગી) પ્રમાણિત બિયારણ વિતરણ ઘટક અંતર્ગત વધુ ઉત્પાદન આપતી ૧૫ વર્ષથી ઓછી ઉંમરની જાતોમાં ફક્ત સર્ટીફાઈડ (પ્રમાણીત) જાતોના બિયારણ વિતરણ માટે સરકાર દ્વારા ખાતાદીઠ જમીન ધારકતાની મર્યાદામાં વધુમાં વધુ બે (૨) હેકટર માટે સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ તમામ પ્રકારના ખેડુતો (સિમાંત, નાના, મોટા) અને તમામ જાતિના (અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતી અને અન્ય) મળવા પાત્ર છે. સાથે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડુતો મિત્રોએ ૭/૧૨, ૮-અ ના દાખલાની નકલ જરૂરી સાધનીક કાગળો વિક્રેતા સંસ્થાઓ પાસે રજુ કરવાના રહેશે. વધુ માહીતી માટે આપના ગામના ગ્રામ સેવક, આપના તાલુકાના વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકાશે તેમ સંયુક્ત ખેતી નિયામક વિભાગ રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button