
તા.૯ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ કાર્યરત ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની સુરક્ષા માટે ૨૪ કલાક કાર્યરત છે. રાજકોટ અભયમ્ ટીમએ ઘરેથી નીકળી ગયેલ અને શારીરિક તથા માનસિક અસ્વસ્થ મહિલાનું કુશળ કાઉન્સેલિંગ કરી પરાણે મજૂરી કરવાના ભયથી મુક્ત કરાવી હતી તેમજ તેમનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
રાજકોટમાં જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમનો સંપર્ક સાધીને કોઠારીયા રોડ પર સુતા હનુમાન મંદિરમાં આવેલા બીમાર મહિલા વિશે માહિતી આપી હતી. આ જાણકારી મળતા અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી કોમલબેન સોલંકી, શ્રી જયશ્રીબેન ચાવડા તથા પાયલોટશ્રી કૌશિકભાઈ ચાંચીયા તુરત જ સુતા હનુમાન મંદિર ખાતે પહોંચી ગયા હતા.

અભયમ્ ટીમએ સ્થિતિનું નિરીક્ષણ કરતા તેમને ખ્યાલ આવ્યો કે પીડિત મહિલા શારીરિક અને માનસિક રીતે બીમાર હતા. તેમજ તેઓ ગભરાયેલી હાલતમાં હોવાથી સરખી રીતે બોલી શકે તેમ ન હતા. પીડિત મહિલાની સાથે સામાનમાં જમવાનું ટિફિન હતું. જેના ઉપરથી અભયમ્ ટીમએ અનુમાન કર્યું કે પીડિત મહિલા સવારે ઘરેથી ચાલી નીકળેલ હશે. પીડિત મહિલાને એવું લાગી રહ્યું હતું કે તેને કોઈ હેરાન કરશે.
આથી, અભયમ્ ટીમએ પીડિત મહિલાને હિંમત આપીને તેની સાથે ધીરજપૂર્વક વાતચીત કરી હતી. પીડિત મહિલા સાથે વાત કરતા અભયમ્ ટીમને જાણવા મળ્યું કે પીડિત મહિલા રાજકોટમાં રહે છે. તેઓ બીમાર છે તો પણ તેમને પરિવારજનો મજૂરી કામ કરવા માટે મોકલે છે. પીડિત મહિલાને પતિ અને જેઠાણી હેરાન કરશે અને ધમકાવશે, તેવો ડર હતો. જેથી, અભયમ્ ટીમએ અસ્વસ્થ મહિલાનું કાઉન્સેલિંગ કુશળ રીતે કરી પરાણે મજૂરી કરવી પડતી હોવાના ભયમાંથી મુક્ત કર્યા હતા તેમજ ઘરે પરત ફરવા સમજાવ્યા હતા.
ત્યાર બાદ અભયમ્ ટીમએ પીડિત મહિલાને સાથે લઈને તેમણે જણાવેલ રહેઠાણના સ્થળે તેમના ઘરની શોધખોળ આદરી હતી. ત્યારે અભયમ્ ટીમને રસ્તા ઉપર પીડિત મહિલાની દીકરી મળી ગઈ હતી. અભયમ્ ટીમ પીડિત મહિલા સાથે તેમના ઘરે પહોંચ્યા હતા. અભયમ્ ટીમએ પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ભોગ બનનાર મહિલાના પરિવારમાં તેમના પતિ, પુત્રી અને પુત્ર છે. મહિલા શારીરિક અને માનસિક રીતે બીમાર હોવા છતાં પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી મહિલાને મજૂરી કામ માટે મોકલવામાં આવતા હતા.
આથી, ૧૮૧ અભયમ્ ટીમએ પીડિત મહિલાના પરિવારને સમજાવ્યું હતું કે મહિલા શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ હોવાથી શારીરિક શ્રમ કરે, તે હિતાવહ ન હોવાથી ભવિષ્યમાં પીડિત મહિલાને ઘરની બહાર મજૂરી કામ કરવા માટે ન મોકલે. તેમજ અભયમ્ ટીમએ પરિવારજનોને પીડિત મહિલાને હોસ્પિટલમાં સારવાર અપાવવા માટે સલાહ-સૂચન આપ્યા હતા. આમ, ૧૮૧ અભયમ્ ટીમએ બીમાર મહિલાને તેમના પરિવાર પાસે પહોંચાડી સાચા અર્થમાં સુરક્ષા પૂરી પાડી હતી.








