RAJKOTRAJKOT CITY / TALUKO

બાગેશ્વર બાબાના દરબારમાં જઈને રાજકોટની મહિલાએ પુત્રની દવા બંધ કરતા આંચકી ઉપડી, સિવિલ હોસ્પિટલે દાખલ

રાજકોટ: મધ્યપ્રદેશના છત્રપુર જિલ્લામાં ઈ.૧૯૯૬માં જન્મેલા અને યુવાન વયે તાજેતરના વર્ષોમાં બાગેશ્વર ધામ સરકારથી દેશભરમાં જાણીતા થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આગામી તા.૧ અને ૨ જૂનમાં રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજન થયું છે. આ કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે ત્યાં જ પર્ચી (ચિઠ્ઠી) લખીને ભાવિકોના મનના પ્રશ્નો અને તેના નિરાકરણ જણાવી દેતા બાબાને કેટલાક નાગરિકોએ જાહેર પ્રશ્નો ઉકેલવા સોશ્યલ મિડીયા મારફત પડકાર  ફેંકતા જ સૌરાષ્ટ્રમાં ભારે વિવાદનો વંટોળ જાગ્યો છે અને પડકારનારાને ધમકીઓ મળવા લાગતા મામલો તંગ બનવા લાગ્યો છે. હિન્દુ સમાજના લોકો સમર્થનમાં અને વિરોધમાં એમ બે જૂથમાં વહેંચાઈ રહ્યાનું દ્રશ્ય ઉપસી રહ્યું છે.

રાજકોટની કોમર્શીયલ કો ઓપ.બેન્કના સીઈઓ,સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ તાંત્રિક બાાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ ક્યાંથી આવે છે અને કોના ઈશારે..પાંચ લાખનું ઈનામ કહીને પોસ્ટ કરતા તેમના પર અસભ્ય શબ્દોમાં ટીકાઓનો મારો શરુ થયો છે. તમારુ ઘર ક્યાં આવ્યું કહીને પરોક્ષ રીતે ધમકીઓ અપાઈ રહી છે તેમ કહીને તેમણે ઉમેર્યું કે તેઓ પોતે ચૂસ્ત સનાતની હિન્દુ છે, મહાદેવનું મંદિર બંધાવ્યું છે, ૨૫ વાર અમરનાથ યાત્રા કરી છે પરંતુ, અંધશ્રધ્ધા સામે વાંધો છે તેથી પોતાનો વિચાર રજૂ કર્યો હતો. તેમને ધમકીઓ મળતા આજે એ ડિવિઝન પોલીસ સ્ટાફે તેમનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ, મોરબીના કોંગી અગ્રણી રમેશભાઈ  રબારીએ મોરબીમાં નીખીલ ધામેચા નામના સગીરની ઈ.સ.૨૦૧૫માં હત્યા થઈ હતી જેનો ભેદ હજુ ઉકેલાયો નથી, ભૂત,ભવિષ્ય,વર્તમાન કાળ જાણનારા જો આ ખૂનના આરોપીઓ કોણ તેના નામ આપી પોલીસને પહોંચવાનો રસ્તો બતાવે તો રૂ।.૧૦ લાખનું ઈનામ અપાશે તેવી જાહેરાત કરી છે.

આ દરમિયાન રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાની પરિવારના ખુશાલ નામનો બાળક  બિમાર હોય તેને સારુ થાય તે આશાએ પરિવાર બાબાના દરબારમાં ગયા હતા, દર્દ દૂર થઈ જશે તેવા આશિર્વાદ મળ્યા હતા અને બાળકની દવા બંધ કરી દેવાઈ હતી. પરંતુ, હાલ આ બાળકને આંચકી ઉપડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ કિસ્સો પણ આજે પ્રકાશમાં આવ્યો છે.

આ સામે આયોજકોએ જણાવ્યું કે લોકોની બાગેશ્વર ધામમાં શ્રધ્ધા છે, અને ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ ચમત્કાર કરતા હોવાનું કે તાંત્રિક હોવાનું કહેતા નથી, બાલાજીની કૃપાથી બધુ થાય છે, લાખો લોકોની શ્રધ્ધા જોઈને અમે રાજકોટમાં આ કાર્યક્રમ યોજ્યો છે. આયોજનમાં પણ વિવાદ સર્જાયો છે.

આયોજન કમિટિમાં શહેરના ભાજપ સાથે જોડાયેલા સહિતના આગેવાનોના નામ છે પરંતુ, તેમાના મુકેશ દોશી સહિત કેટલાક આગેવાનોએ આજે જણાવ્યું કે અમે આ આયોજનમાં નથી, કમિટિમાં નામ કોણે જાહેર કર્યું તે ખબર નથી. હા, અમે ભાગવત સપ્તાહ, ગૌરક્ષા, વૃધ્ધાશ્રમો, સમુહ લગ્નો જેવા કાર્યક્રમોમાં  હોઈએ છીએ.

[wptube id="1252022"]
Back to top button