
તા.૧૯ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની મુશ્કેલીઓમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે, તે માટે “૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન”ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં અભયમ્ ટીમે વધુ એક ઘટનામાં મહિલાની મદદ કરવા માટે તેની છેડતી કરતા અસામાજિક તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા હતા.

રાજકોટ શહેરમાં ગત તા. ૧૭ જૂનના રોજ ૧૮૧ અભયમ્ ટીમને એક યુવતીના ભાઈએ કોલમાં જણાવ્યું હતું કે પડોશમાં રહેતા તરુણો દ્વારા તેની બહેન અવારનવાર છેડતીનો ભોગ બની રહી છે. આથી, કાઉન્સિલરશ્રી રાધિકાબેન અસારી, કોન્સ્ટેબલશ્રી નાજીયાબેન તથા પાયલોટશ્રી ભાવિનભાઈ યુવતીના ઘરે પહોંચ્યા હતા. કાઉન્સિલરશ્રીએ સૌ પ્રથમ પીડિતાને સાંત્વના આપીને તેનું કાઉન્સિલિંગ કર્યું હતું.
અભયમ્ ટીમને કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતાની છેડતી કરતા બંને તરુણો એ જ સોસાયટીમાં રહે છે. તેઓ સોસાયટીમાં આવતીજતી યુવતીઓ સામે મોબાઈલમાં ગીતો વગાડીને બિભસ્ત કમેન્ટ કરે છે. તેમણે પીડિતાને ઇરાદાપૂર્વક અપશબ્દો બોલી છેડતી કરી હતી. યુવતીએ પોતાના ભાઈને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અભયમ્ ટીમે બંને તરુણોને સમજાવ્યું કે છેડતી કરવીએ અસભ્ય વર્તન છે, જે ગુનો બને છે. જેથી, બંને તરુણોએ યુવતીની માફી માંગી, હવે પછી ક્યારેય આવી ભૂલ નહીં કરે, તેવી લેખિતમાં બાહેંધરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે બંને તરુણોની ઉંમર ૧૭ વર્ષ છે. એક તરુણના ઘરે બીજો તરુણ અભ્યાસ કરવા માટે રહે છે. અભયમ્ ટીમે પીડિતાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવા જણાવ્યું હતું, પરંતુ બંને તરુણોએ માફી માંગી લીધી હોવાથી તેઓ ફરિયાદ કરાવવા માંગતા ન હતા. આમ, અભયમ્ ટીમે પીડિતાને ખરા અર્થમાં સુરક્ષાનું અભય વચન પૂરું પાડ્યું હતું.








