
તા.૧૬ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુરમાં જેતલસર ચોકડી પાસેના ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતી વખતે બોલેરો જીપનો દરવાજો એક મોટો ખાડો આવતા ખૂલી ગયો હતો અને બોલેરોમાં સવાર છ વ્યક્તિ નીચે પટકાયા હતા. જેમાંથી પાંચને નાની મોટી ઇજા પહોંચી હતી, જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું. ઘાયલોને તાબડતોબ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ બનાવમાં કેશોદના પાડોદર ગામનો રાવલિયા પરિવાર ગઈકાલે રાજકોટ ખાતે એક સગાઈમાં બોલેરો જીપ લઈને જતો હતો. ત્યારે આ બોલેરો જીપ જેતપુર શહેરના તત્કાલ હનુમાન ચોકડી પાસેના ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતા સમયે પુલ પર એક મોટો ખાડો આવતા બોલેરોનું પાછળનો દરવાજો એકાએક ખૂલી જતાં બોલેરોમાં સવાર છ થી સાત વ્યક્તિ નીચે પટકાયા હતાં. જેમાંથી ધાનીબેન પ્રવીણભાઈ રાવલિયા (ઉ.વ.45) નામની મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ વ્યક્તિઓને નાની મોટી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર આપી રજા આપવામાં આવી હતી.








