Bhanvad : ભાણવડમાં તાલુકા શાળા – ૩ કન્યાશાળા અને સરકારી અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ૧૬ રૂમનું ૩ માળનું બિલ્ડીંગનું નિર્માણ થશે

કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા દ્વારા ખાતમુહુર્ત કરાયું : સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું
***
બાળકો આ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ કારકિર્દી ઘડે તે માટે શુભકામના પાઠવતા કેબિનેટ મંત્રીશ્રી
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
આજરોજ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે ભાણવડમાં દરબારગઢ ખાતે આવેલી તાલુકા શાળા -૩ કન્યા શાળા અને સરકારી અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અંદાજીત ૨૬૮ લાખના ખર્ચે નવું ૩ માળનું બિલ્ડીંગ નિર્માણ પામશે. જેમાં નવા ૧૬ રૂમ બનાવવામાં આવશે. જેનું આજરોજ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળામાં સ્માર્ટ બોર્ડ તેમજ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું કે, શાળા ખાતે નવા રૂમ બનશે જેનાથી બાળકોને સારી સુવિધા મળશે. તેમજ સ્કુલ ઓફ એકસેલન્સ અંતર્ગત આ શાળાને ૧૧ સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે. અને કોમ્પ્યુટર લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વધુમાં આગળ જણાવ્યું કે, આ શાળામાં ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ અગાઉ બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવા માટે આપને બહાર મોકલવા પડતા હતા. પરંતુ ૨૦૧૯ -૨૦થી અંહી અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી બાળકોને અંગ્રેજી માધ્યમના અભ્યાસ માટે બહાર મોકલવા નહિ પડે. શાળાના સરસ સંચાલન માટે આચાર્ય અને શિક્ષકોને અભિનંદન પાઠવી બાળકોને ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે શુભેચ્છા પાઠવું છું.
આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડુમરાણીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શાળાની છાત્રાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ તકે ઇન્ચાર્જ મામલતદારશ્રી જલ્પેશ બાબરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચુડાસમા, ટી.પી. ઓ. શ્રી નંદાણીયા, અગ્રણીશ્રી ગોવિંદભાઈ કનારા, ચેતનભાઈ રાઠોડ, સાજણભાઈ રાવલિયા, સર્વ શિક્ષા અભિયાનના કોટકભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.









