JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં ૨૦૭૧ દિવ્યાંગોનો ફ્રી ટ્રાવેલ એસ.ટી. બસ પાસ મંજૂર

તા.૨૩ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૨૩૯૩૧ દિવ્યાંગોએ લીધો છે લાભ

રાજય સરકાર દ્વારા દિવ્યાંગોના કલ્યાણ માટે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓનું અમલીકરણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવે છે,

રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થના શેરસીયાના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં તા.૧.૪.૨૨ થી તા.૨.૨.૨૩ સુધી આવેલ અરજીઓમાંથી ૨૦૭૧ દિવ્યાંગોની ફ્રી ટ્રાવેલ એસ.ટી. બસ પાસ અંગેની અરજીઓ મંજૂર કરાઇ હતી. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં આવેલ કુલ અરજીઓ ૨૩૯૩૧ છે.

૨૧ પ્રકારની ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યકિતઓ એસ.ટી.માં વિના મૂલ્યે મુસાફરી કરવાની યોજનાનો લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા દિવ્યાંગોને આવકની કોઇ પણ મર્યાદા ધ્યાને લીધા વગર આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માગતા દિવ્યાંગોએ સરકારી તબીબનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવાતું પ્રમાણપત્ર, આધારકાર્ડની પ્રમાણિત નકલ, સ્ટેમ્પ સાઇઝનો ૧ (એક) ફોટો, રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ, ગુજરાત રાજ્યના કાયમી વસવાટના પુરાવા, બ્લડગ્રુપનો દાખલો, વગેરે દસ્તાવેજો સાથેની અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે. દિવ્યાંગ વ્યકિત સાથેનાં સહાયકને નિયમ મુજબ દિવ્યાંગતાની ટકાવારી મુજબ ટિકીટમાં રાહત મળવાપાત્ર થશે. દિવ્યાંગનું ઓળખકાર્ડ ખોવાઈ જાય તો આ અંગેની અરજી કરવાથી નવું ઓળખકાર્ડ મળી રહેશે, રદ કરવા પાત્ર ઓળખકાર્ડ કચેરીમાં જમા કરાવવાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખોવાઇ ગયેલ પાસ માટે પોલીસ ફરીયાદની નકલ અથવા સોગંદનામું રજૂ કરવાનું રહેશે. એસ.ટી.માં વિના મૂલ્યે મુસાફરી કરવાની યોજનાનો લાભ મેળવવા માગતા દિવ્યાંગો પોતાની જાતે પણ ઓનલાઇન અરજી samajkalyan.gujarat.gov.in પર કરી શકશે.

[wptube id="1252022"]
Back to top button