
તા.૨૨ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૨૬ હજારથી વધુ ઈમરજન્સી સહીત ૨ લાખથી વધુ અબોલ જીવોની સારવાર્થે સતત દોડતી ૧૯ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી વાન
રાજકોટ તા. ૨૧ જાન્યુઆરી – ૧૯૬૨ એ માત્ર આંકડો નથી, પરંતુ અબોલ જીવના આરોગ્યની ખેવના કરતી વિશિષ્ઠ હેલ્પ લાઈન છે. જે સ્થળ પર પહોંચી અબોલ પશુઓની સાર સંભાળ રાખવાનું કાર્ય કરે છે. સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા અબોલ જીવો પ્રત્યે કરુણા દાખવી ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ તેમજ મોબાઈલ ડિસ્પેન્સરી વાન કોલ કરતા જ સ્થળ પર પશુઓની સારવાર માટે આવી પહોંચે છે.
રાજકોટ જિલ્લામાં ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મોબાઈલ પશુ આરોગ્ય સેવા શરૂ થયાને આજ સુધીમાં ૨ લાખ ૪૦ હજારથી વધુ પશુઓની સ્થળ પર સારવાર કરાઈ હોવાનું ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જસવંત પ્રજાપતિએ જણાવ્યું છે. જેમાં ગત ડિસેમ્બર માસમાં મોબાઈલ પશુ વાન દ્વારા ૩૨૫ ઇમર્જન્સી કેઈસ સાથે ૨૬,૫૩૧ કિસ્સામાં અતિ ગંભીર સ્થિતમાં પશુઓને ઇમર્જન્સી સારવાર પુરી પાડવામાં આવી છે.

જયારે ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા ગત માસમાં ૬૧૯ ઈમરજન્સી કેઈસ સાથે હાલ સુધીમાં ૨૪,૫૦૯ પશુઓના ૪૧ હજાર જેટલા કેઈસમાં મદદરૂપ બની છે.
મોબાઈલ પશુ વાન નિશ્ચિત સમય પત્રક મુજબ વિવિધ ગામમાં પશુ ચિકિત્સા માટે મુલાકાત લે છે. જેમાં ગત માસમાં ૮,૭૭૯ પશુઓની સ્થળ દીઠ સારવાર સાથે હાલ સુધીમાં કુલ ૨,૧૨,૧૫૪ પશુઓની ખેવના કરી હોવાનું શ્રી પ્રજાપતિએ જણાવ્યું છે.
મોબાઈલ પશુ દવાખાના દ્વારા ગત માસમાં ૧૧૨૨ સહીત ૩૯,૮૧૪ સર્જીકલ તેમજ ૪૪૯ સહીત ૯૭૭૩ પ્રસુતિ સંબંધી સારવાર પુરી પાડવામાં આવી છે, જયારે અન્ય રોગોમાં ૫૭૭૧ સહીત ૧,૨૫,૫૫૯ જેટલા કેઈસમાં વિવિધ સારવાર પુરી પડાઈ છે.
અબોલ પશુઓ કે જેઓ પશુપાલન વ્યવસાયનું મુખ્ય અંગ છે. તેઓની તંદુરસ્તીની જાળવણી અર્થે ૧૯૬૨ હેલ્પ લાઈન અને મોબાઈલ પશુ દવાખાના ડોક્ટર્સની ટીમ સાથે ૨૪ કલાક સારવાર્થે ઉપલબ્ધ છે.








