
તા.૧૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટમાં વીજતંત્રની કુલ ૮૩૦ ટીમ સાથે ૪૩૮૯ વીજકર્મીઓ, ૮૪ હજારથી વધુ વીજથાંભલા તથા ૪૪ હજારથી વધુ વીજ ટ્રાન્સફોર્મરનો સ્ટોક તૈનાત
સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને વીજ થાંભલાને નુકશાન થાય અને વીજ પુરવઠો ખોરવાઈ જાય તો, તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય તે માટે પી.જી.વી.સી.એલ.નાં મેનેજીંગ ડાયરેકટરશ્રી એમ. જે. દવેનાં માર્ગદર્શન હેઠળ સજ્જ વીજતંત્ર દ્વારા વીજ માળખાને થનારી સંભવિત ખુવારીને પહોંચી વળવા મેન પાવર, મટીરીયલ તથા વાહનની આગોતરી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પી.જી.વી.સી.એલ.નાં મુખ્ય ઈજનેરશ્રી ડી.વી.લાખાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને પગલે સુચારૂ આયોજનના ભાગરૂપે મેનેજમેન્ટ કમિટી, કોર કમિટી, સર્કલ લેવલ કમિટી, કોર્પોરેટ લેવલ કંટ્રોલ રૂમ અને ૨૪X૭ રિપોર્ટિંગ ટીમની રચના કરવામાં આવી છે, જે સતત કામગીરીનું નિરીક્ષણ કરશે. કોર્પોરેટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત રહી ફરજ બજાવશે. વાવાઝોડા બાદ શહેર – નગરોમાં વીજ પુરવઠો ખોરવાયે તાબડતોબ કાર્યરત કરવા માટે પી.જી.વી.સી.એલ. ની ૫૬૨ કોન્ટ્રાક્ટર ટીમ ૩૩૦૪ વીજકર્મીઓ સાથે તથા ૨૬૮ જેટલી ડીપાર્ટમેન્ટલ ટીમનાં ૧૦૮૫ સહીત કુલ ૪૩૮૯ વીજકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન વીજ થાંભલાઓનું થતું હોય છે ત્યારે રાજકોટ જિલ્લામાં ૮૪,૧૫૦ વીજથાંભલા તથા ૪૪,૨૫૩ જેટલા અલગ-અલગ વોટ પ્રમાણેનાં વીજ ટ્રાન્સફોર્મરના સ્ટોક સહિત ફેબ્રીકેશન મટીરીયલ્સ જેવા જરૂરી સાધન સામગ્રીનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડા બાદ થયેલા નુકસાનની ભરપાઈ કરવા અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા હોસ્પિટલ, સરકારી ઓફિસો, ફ્લોર મિલ, વોટરવર્કસને પ્રાથમિકતા આપી તાત્કાલિક મદદ પુરી પાડવા જરૂરી તમામ મટિરિયલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ટેમ્પો, બોલેરો જેવા ૭૮૨ વાહનો તથા ૩૬ જેટલા ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.