
તા. ૧૯ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૨૧ જૂને ૮ હજાર જેટલા લોકો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે યોગમય બનશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી સેન્ટરના કર્મચારીઓ શીખવે છે યોગા
તંદુરસ્તીના આધાર સમાન યોગ એ વિશ્વને ભારત દેશની દેન છે, જેને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય કરવાનું શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેદ્રભાઈ મોદીને જાય છે. તેમના પ્રયત્નોથી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા યોગને જનજન સુધી પહોંચાડવા તા. ૨૧ જૂનને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે.

વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને સમગ્ર ગુજરાત યોગમય બનવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર યોગ અંગે જનજાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે. ગુજરાત રાજ્યમાં આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સર્વગ્રાહી પ્રાથમિક આરોગ્ય સારવાર આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં શહેર કક્ષાએ ૭, તાલુકા કક્ષાએ મોટા ગામોમાં ૫૪ અને નાના ગામોમાં ૨૯૩ એમ કુલ ૩૫૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે.

રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અધિકારીશ્રીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં આવેલા તમામ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખાતે છેલ્લા ૧ વર્ષમાં અંદાજે ૨૦ હજાર લોકોએ યોગાસનનો લાભ લીધો છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સારવાર માટે આવતા દર્દીઓને દવા ઉપરાંત યોગનું પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. ખાસ કરીને બ્લડપ્રેશર, ડાયાબીટીશ જેવા ગંભીર રોગ ધરાવતા લોકોને યોગના માધ્યમથી આરોગ્યમાં સુધારો જોવા મળ્યો છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, દર્દીઓને માત્ર યોગ જ નહીં, પરંતુ પરંપરાગત ભોજનશૈલી અને જીવન જીવવાની કળા પણ શીખવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ૧૫૦ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે હર્બલ ગાર્ડન ઊભા કરવામાં આવ્યા છે. આ હર્બલ ગાર્ડનમાંથી આર્યુવેદિક ઔષધિ લોકોને આપવામાં આવે છે. તેમજ બગીચામાં ઉગાડેલા છોડના ઉપયોગ અને વાવેતરની રીત સમજાવાય છે.
રાજકોટ જિલ્લામાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આગામી વિશ્વ યોગ દિવસે ૮ હજાર જેટલા લોકો યોગમય બનશે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખાતે લોકોને યોગનું શિક્ષણ આપવા માટે કર્મચારીઓને તાલીમ અપાય છે. તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, યોગ ટ્રેનર સહયોગ આપે છે.
આમ, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં માત્ર સારવાર જ નહીં પરંતુ યોગ અંગે માર્ગદર્શન જેવી આરોગ્યપ્રદ સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. જેથી, આયુષમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એટલે નિદાન, સારવાર અને નિરામય જીવનની પાઠશાળા, એવું ચોક્કસપણે કહી શકાય.








