
તા.૨૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૨૬ જુન-વિશ્વ ડ્રગ વિરોધી દિવસ ડ્રગ્સના જીવલેણ નશા વિશે જાણકારી મેળવી તેનાથી દૂર રહેવા પ્રતિબદ્ધ થઇએ
“નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડીમાન્ડ રીડક્શન” દ્વારા ડ્રગ્સના દુષણને ડામવા સરકાર સતત પ્રયત્નશીલ
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૬મી જૂનને આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેની આ વર્ષની થીમ “પીપલ ફર્સ્ટ: સ્ટોપ ડીસ્ક્રીમિનેશન એન્ડ સ્ટ્રેન્થન પ્રિવેન્શન” છે. ડ્રગના દુષણમાં ફસાયેલા અને તેને છોડવા પ્રયત્ન કરતા અથવા ડ્રગ્સ છોડી દીધેલ વ્યક્તિઓ સાથે થતો ભેદભાવ અને ગેરવર્તન તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આથી, વ્યક્તિકેન્દ્રીત ડ્રગ્સ વિરોધી નીતિ બનાવવા અને ડ્રગ લેતા પહેલા જ લોકોને રોકી શકાય તેવાં પ્રયત્નો કરવાનો સંદેશ આપવા માટે આ થીમ રાખવામાં આવી છે.

અફીણ, ગાંજો, ચરસ, બ્રાઉનસુગર, હેરોઇન, સ્મેક, વગેરે જેવા માદક દ્રવ્યોને ડ્રગ્સ ગણવામાં આવે છે. અત્યંત મોંઘા આ ડ્રગ્સના એક કે બે વારના ઉપયોગથી કોઇપણ માણસ તેનો બંધાણી બની જાય છે અને આ વ્યસનની તલપ સંતોષવા તે ગમે તે હદે જાય છે. ડ્રગ્સ ખરીદવા માટે પૈસા ન હોય તો ચોરી કે લુંટ કરતા પણ તે અચકાતા નથી. ઘણીવાર ડ્રગ્સ વેચનાર તેને નશા માટે પૈસા મેળવવા ડ્રગ્સ વેચતા કરી દે છે.

ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેવાથી એચ.આઇ.વી. અને એઇડ્સ તેમજ હેપેટાઇટીસ અને અન્ય જીવલેણ રોગોનો ખતરો પણ રહેલો છે. વધુ માત્રામાં ડ્રગ્સ લેવાઇ જાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. ડ્રગ્સના દુષણને રોકવા માટે યુવક/યુવતીઓ અને તેમના માતા- પિતા/વાલી ઉપરાંત શાળા/કોલેજોના સંચાલક, આચાર્યશ્રીઓ, હોસ્ટેલના ગૃહપતિ તેમજ સ્ટાફે પોતાની દેખરેખમાં રહેતા યુવાનો કેફી દ્રવ્યોના રવાડે ન ચઢી જાય તે માટે ડ્રગ્સ વિશે જાગ્રત થઇને સતર્ક બનવું પડશે. આ માટે જાણ કર્યા વિના અચાનક હોસ્ટેલની મુલાકાત લઇ શકાય. માતા પિતા પણ ઘરથી દૂર રહેતા પોતાના સંતાનોની આકસ્મિક મુલાકાત લઇ શકે. વ્યક્તિ ગુમસુમ રહેતી હોય કે વર્તનમાં અચાનક પરિવર્તન જણાય તો તે વ્યસનનો શિકાર બન્યા હોય તેવું બની શકે. રાત્રે યુવાન/યુવતી ઘેર આવે ત્યારે તેમની વર્તણુંક ઉપર ધ્યાન આપવું જોઇએ. ખાનગી રીતે તેમના મોબાઈલ, પાકીટ, ખિસ્સા, કપડાં, બેગ, વાહન વગેરે ચકાસતા રહેવું જોઇએ.
મોટેભાગે પાઉડર કે ગોળી રૂપે પડિકીમાં ડ્રગ્સ વેચવામાં આવતું હોય છે. ઘણીવાર તેને પાણી કે અન્ય પ્રવાહીમાં મેળવી ઇન્જેક્શન પણ લેતા હોય છે. તેમના હાથની નસમાં ઇન્જેક્શન મારવાની જગ્યાએ ઇન્જેક્શનના અનેક ડાઘ કે ચિન્હ જણાય તો બની શકે કે તે સોય દ્વારા ડ્રગ લેતાં હોય.
કોઇ સ્વજન આ વ્યસનનો ભોગ બને તો આ જીવલેણ નશાથી મુક્ત કરવા માટે તેને ભાવનાત્મક સહારો આપીને આ વ્યસન છોડવા પ્રેરીત કરવા જોઇએ. આ નશો છોડવો ખુબ જ મુશ્કેલ હોય છે અને મદદ વગર છોડી શકાતો નથી. આથી, તેમને નશાબંધી મંડળ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવાતા નશામુક્તી કેન્દ્રમાં દાખલ કરી શકાય છે. રાજકોટમાં વીરનગર ખાતે વ્યસનમુક્તિ અને પુનર્વસન કેન્દ્ર શિવાનંદ મિશન ખાતે આવેલ છે. જેનો ૦૨૮૨૧-૨૮૩૬૩૨ ફોન નંબર પર સંપર્ક કરી શકાય છે. કોલેજો અને સંસ્થાઓમાં રાજકોટ એસ.ઓ.જી. દ્વારા અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થિઓને ડ્રગ્સ થી દૂર રહેવા જાગૃત કરવામાં આવે છે.
જાગૃત નાગરીક તરીકે આપણા સૌની ફરજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા લોકોને કાયદાના હવાલે કરવા. સ્કૂલ-કોલેજ કેમ્પસ તેમજ જાહેર કે ગુપ્ત જગ્યાઓએ વેચાણ થતું આપને જણાઇ આવે તો નિ:સંકોચ ગુપ્તરાહે નજીકના પોલીસ સ્ટેશન અથવા આ નંબરો ઉપર જાણ કરી શકાય છે. નાર્કોટીકસ સેલ- ગાંધીનગર (૦૭૯) ૨૩૨૫૪૩૭૪, ૨૩૨૫૪૩૮૦; રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમ ૧૦૦, ૦૨૮૧-૨૪૫૭૭૭૭; રાજકોટ શહેર એસ.ઓ.જી ૯૦૩૩૭૭૬૬૦૦; નાર્કોટીકસ ટોલ ફ્રી હેલ્પલાઇન ૧૯૦૮.
ડ્રગ્સના નશાથી દૂર રહેવા માટે પ્રતિજ્ઞા લેવા http://cbn.nic.in/en/pledge/ની મુલાકાત અવશ્ય લઇએ તેમજ સ્વજનોને પણ પ્રતિજ્ઞા લેવા પ્રેરીત કરીએ.








