
તા.૨૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાત્રીનાં રીક્ષામાં પાઈપ બાંધી ટોળકી ૯૦ કિલોના ૨૪ પાઈપની ચોરી કરી ગઈ: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
જેતપુર જુનાગઢ રોડ પર નાખવાનું કામ ચાલતું હોય દરમ્યાન રાત્રીનાં અહીંથી રૂપિયા ૬ લાખની કિંમતના ૨૫ પાઈપની કોઈ શખ્સો ચોરી કરી ગયા અંગેની જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતાં મોડી રાત્રીનાં રીક્ષામાં આવેલા શખ્સોએ રીક્ષાની સાઈડમાં આ પાઈપ બાંધી ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જે ફૂટેજના આધારે પોલીસે પાઈપની ચોરી કરનાર ટોળકીને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.

ચોરીનાં આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલનાં ચરખડી ગામ રહેતાં મુકેશભાઈ ભીખુભાઈ સખિયા (ઉ.વ.૫૨) દ્વારા જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટની ભબીરા એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. હાલમાં તેમની કંપની ગેસ પાઈપલાઈન નાખવાનું કામ કરતી હોય અને જેતપુર જુનાગઢ રોડ પર કામગીરી ચાલે છે. દરમિયાન તારીખ ૨૧/૬ રાત્રીનાં અહીં જેતપુર જુનાગઢ રોડ પર તેમની પેઢીનાં કુલ ૨૪ લોખંડના ડ્રીલ પાઈપ જે એક પાઈપનુ વજન અંદાજિત ૯૦ કિલો છે અને તેની કિંમત રુપિયા ૨૫,૦૦૦ ગણાય તેવાં ૨૪ પાઈપ જેની કુલ કિંમત રુપિયા ૬ લાખ ખુલ્લી જગ્યામાં પડ્યાં હોય ત્યાંથી કોઈ ચોરી કરી ગયાં અંગેની આ ફરિયાદ નોંધાવી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ચોરીની આ ઘટનાને લઈ આસપાસનાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતાં રાત્રીનાં ૩:૨૪ કલાકે એક રીક્ષા અહીંથી પસાર થતી નજરે પડી હતી. જેમાં સાઈડમાં પાઈપ બાંધ્યા હોવાનું દેખાયું હતું ત્યારબાદ ૪:૧૫ કલાકે ફરી આ રીક્ષા અહીંથી પસાર થઈ હતી અને તે સમયે પણ તેમાં સાઈડમાં પાઈપ બાંધ્યા હોય જેથી રીક્ષાના બે ફેરા કરી અહીંથી પાઈપની ચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર આ ટોળકીને ઝડપી લેવા શોધખોળ શરુ કરી છે. બનાવ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ મથકનાં પીએસઆઈ પી.કે.શામળા ચલાવી રહ્યાં છે.








