
તા.૮/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે અપાઈ જમીનની સનદ
છેવાડાના લોકોને પાક્કું ઘર મળે તેવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરતા, ગોંડલ તાલુકાના મોટાદડવા ગામમાં આજે ઘરવિહોણા ૩૮ પરિવારોને, રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે જમીનના અધિકાર આપવામાં આવ્યા હતા. વર્ષોથી મુશ્કેલીઓ વચ્ચે રહેતા પરિવારોને જમીનના હક્ક મળતા તેઓ ખુશ થઈ ગયા હતા.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને મોડાદડવામાં નકળંગ ધામ ખાતે વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને ૧૦૦ ચોરસ વારના પ્લોટની સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે મંત્રીશ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી પહોંચે તેની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. દરેક ગરીબ ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે, તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. જેના ભાગરૂપે આજે જમીન વિહોણા ૩૮ પરિવારોને જમીનના અધિકાર આપવાનો આ કાર્યક્રમ યોજાયો છે. તેમણે લાભાર્થી પરિવારોને અભિનંદન આપ્યા હતા. આ સાથે આ પરિવારોને “પંડીત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના” અંતર્ગત મકાન બાંધવા માટેની સહાયના ફોર્મ પણ વહેલાસર ભરી દેવા અપીલ કરી હતી. આ લાભાર્થીઓ સરળતાથી આવાસના ફોર્મ ભરી શકે તે માટે ખૂટતા તમામ દસ્તાવેજો વહેલાસર કાઢી આપવા વહીવટી તંત્રના અધિકારીઓને સૂચના આપી હતી.

મંત્રીશ્રીએ ગામના રસ્તાના પ્રશ્નો, પાણીની નવી પાઇપલાઇન, વીજળી સંબંધિત પ્રશ્નો પણ વહેલાસર ઉકેલવા સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે ગ્રામજનોને હલેન્ડાથી મોટાદડવાના રસ્તાના રૂપિયા ૩.૫૦ કરોડના કામો મંજૂર થઈ ગયા હોવાનું તેમજ વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. આ ગામના પરા વિસ્તાર સુધી જ્યોતિગ્રામ અંતર્ગત વીજળી તેમજ પાણી પહોંચી ચૂક્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું
ગામમાં “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” અંતર્ગત એકપણ જરૂરિયાતમંદ પરિવાર એન.એફ.એસ.એ. કાર્ડ વિહોણા ના રહી જાય તે જોવા અધિકારીઓને ખાસ તાકીદ કરતા કહ્યું હતું કે, એન.એફ.એસ.એ. તેમજ અન્નમ બ્રહ્મ અંતર્ગત ગરીબોને સમયસર અનાજ મળવું જોઈએ
આ તકે તેમણે સરપંચ તેમજ ગ્રામલોકોને મળીને ગામના પ્રશ્નો પણ જાણ્યા હતા તેમજ વહેલાસર તેના ઉકેલની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી ભૂપતભાઈ વાળાએ પ્રાસંગિક સંબોધન કરતા કહ્યું હતું કે, હવે જમીન વિહોણા પરિવારોને જમીન મળી છે ત્યારે, બાંધકામની સહાય ફોર્મ પણ વહેલાસર ભરી દેજો તેમજ તમારા બાળકોને સારું શિક્ષણ આપજો

આ કાર્યક્રમમાં ગોંડલ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભાર્ગવ આંદિપરા, તાલુકા પંચાયત સભ્યશ્રી વજુભાઈ ચાવડા, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખશ્રી રઘુભાઈ વસાણી, અન્ય આગેવાનો, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગોંડલના મામલતદારશ્રી હિતેશ ચાવડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.








