
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ તળીએ જઇ રહ્યાં છે, ધોરાજી પંથક ખેડૂતોને પણ ડુંગળી રડાવી રહી છે ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. ભાવ ન મળતા ખેડૂત ડુંગળીના ઢગલામાં સમાધિમાં બેઠા છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. દિવસેને દિવસે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ ખેડૂતોને નથી મળી રહ્યાં, જેને કારણે ડુંગળી પકવતા ખેડૂતો ચિંતિત થયા છે.
ધોરાજી પંથકના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ અને ડુંગળી થતા ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં વેચવા માટે લઈને આવ્યાં હતા. ધોરાજી માર્કેટીંગ યાર્ડમા આજે ડુંગળીનો ભાવ 50 રૂપીયાથી 150 રૂપીયા મણ દીઠ મળતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
ધોરાજીના અને બહારગામથી આવતા ખેડૂતોએ આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના જથ્થામાં સમાધિમાં બેઠા હતા. કેન્દ્ર સરકાર ડુંગળી પરની નિકાસ પરનો પ્રતિબંધ પરત લે તેવી માંગણી કરી હતી. હાલ લગ્નનો સમય છે, ઉપરાંત ઘર ચલાવવા માટે ખેડૂતોએ મજબુરીને વશ થઈને ડુંગળી ફરજિયાત મામૂલી ભાવે વેચવી પડી રહી છે તેવુ ખેડૂતો જણાવી રહ્યાં છે.









