
તા.૧ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કલેકટરશ્રીએ ગૃહમાં આશ્રિત મહિલાઓની મુલાકાત કરી
નારી સંરક્ષણ ગૃહ રાજકોટ ખાતે કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવની દવેએ નારી સંરક્ષણ ગૃહની વર્ષ દરમિયાનની કામગીરીનો અહેવાલ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નારી સંરક્ષણ ગૃહ ખાતે સિવિલના મેડિકલ ઓફિસર દ્વારા મહિનામાં ૪(ચાર) વખત હેલ્થ ચેકઅપ તેમજ મનોચિકિત્સક દ્વારા ૨(બે) વખત કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

વર્ષ દરમિયાનમાં નારી સંરક્ષણ ગૃહમાંથી ૨૪ બહેનો સ્વેચ્છાએ મુક્ત થયેલ હતા તેમજ ૬૯ બહેનોનું પરિવાર સાથે પુનઃસ્થાપન થયું છે, ત્યારે કલેકટરશ્રી એ પુનઃસ્થાપિત મહિલાઓના ફોલોઅપ વિશે ખાસ સમીક્ષા કરી હતી. કલેકટરશ્રીએ ગૃહમાં આવશ્યક વસ્તુઓ તેમજ વેઇટિંગ રૂમ બનાવવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. હાલ નારી સંરક્ષણ ગૃહમાં ૧૧ મહિલાઓ આશ્રય લઈ રહી છે. કલેક્ટરશ્રીએ તેમની મુલાકાત કરી તેમના ખબર અંતરની પૃચ્છા કરી હતી.
કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં નવા પાંચ બિનસરકારી સભ્યોના સભ્યપદને બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં વર્ષ દરમિયાન નારી સંરક્ષણ ગૃહમાં ઉજવવામાં આવતા તહેવારો અને બાળકોના નામકરણ જેવા પ્રસંગોની ઝલક પ્રસ્તૃત કરવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવે, પ્રોટેક્શન ઓફીસરશ્રી સીમાબેન શિંગાળા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી પ્રાર્થનાબેન શેરસીયા, મહિલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ભાર્ગવ ઝણકાટ, એલ.આઈ.બી.પી.આઇ, શ્રી આર. વી. વાજા, ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેનશ્રી રક્ષાબેન બોળીયા, નારી સંરક્ષણ ગૃહના અધિક્ષકશ્રી ગીતાબેન ચાવડા સહિતના સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ તથા ન્યાયધીશો ઉપસ્થિત રહ્યા હતા.








