
તા.૧૨ મે
વાત્સલ્યમ્ સમાચાર
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસુચિત જાતિ તેમજ અનુસુચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આદર્શ નિવાસી શાળાઓ સ્થાપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ સાથે ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

રાજકોટ શહેરમાં આવેલી સુવિધાયુક્ત આદર્શ નિવાસી કુમાર અને કન્યા શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધો.૯, ૧૦, ૧૨માં પ્રવેશ મેળવવા ઇચ્છતા અને નિયમાનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ તા.૩૦/૦૫/૨૦૨૩ સુધીમાં www.esamajkalyan.gujarat.gov.in પર જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરીને ઓનલાઈન અરજી કરી શકે છે. પ્રવેશ માટેની આગળની સુચનાઓ સમયાંતરે ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે, જે ઉક્ત વેબસાઈટ પર જોઈ શકાશે.
વિદ્યાર્થીએ વેબસાઈટ પર દર્શાવેલ આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વિગતોનો સંપુર્ણ અભ્યાસ કરીને અરજી કરવી તેમજ વધુ માહિતી માટે જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિકસતી જાતિ)ની કચેરીનો સંપર્ક કરી શકાશે, તેમ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના નિયામકશ્રીની યાદીમાં જણાવ્યું છે.








