
પરશોત્તમ રૂપાલા અને ભાજપ સામેના ક્ષત્રિય આંદોલન અંગે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે 16 મેના રોજ અમદાવાદ ખાતે સંકલન સમિતિના આગેવાનોએ પત્રકાર પરિષદ કરીને ક્ષત્રિય આંદોલનને હાલ પૂરતું સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તો આજે રાજકોટમાં પદ્મિનીબા વાળાએ મોટું નિવેદન આપ્યું છે.
પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે ચૂંટણી પહેલા પરશોત્તમ રૂપાલાએ નારીશક્તિની માફી માંગી હતી. અમે પરશોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ. સંકલન સમિતિ આંદોલનમાં નિષ્ફળ રહી છે.
આ સાથે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિના આગેવાનો પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે ગઈકાલે સંકલન સમિતિના કરણસિંહ ચાવડા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એ કોને પૂછીને લેવામાં આવ્યો? કરણસિંહ જે બોલી રહ્યા છે તે ડબલ વાત કરે છે. પી.ટી. જાડેજાએ કહ્યું હતું કે સંકલન સમિતિ ગદ્દાર છે, અત્યારે પી.ટી. જાડેજા ક્યાં છે ? કેમ ફોન નથી ઉપાડતા? કોગ્રેસ સાથે તમે રહીને શું કરવા માંગો છો? સામાજિક છો તો સામાજિક રહો.
પદ્મિનીબા વાળાએ કહ્યું કે સંકલન સમિતિમાં 120 સંસ્થાઓ છે તો એ ક્યાં છે?આંદોલનનો ખર્ચો કોણે આપ્યો એ જવાબ આપો. સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરે છે, આંદોલન નિષ્ફળ રહ્યું છે.









