જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા કડક અમલવારી : તંત્ર દ્વારા ચેકપોસ્ટ ઉભી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભવનાથ તીર્થક્ષેત્રમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકે અને પ્લાસ્ટિક જથ્થો અટકાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ઇકો સિન્સેટીવ ઝોન હેઠળ અને ભવનાથ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, વન વિભાગ અને જુનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ ઉપરથી ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકપોસ્ટ કાર્યરત કરાયાના પ્રથમ દિવસે જ પ્લાસ્ટીકની બોટલો સહિત ચાર બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
તેમજ આ ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે અને ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ તૈયનાત રહેશે. અશોક શિલાલેખ પાસે કરાયેલ આ ચેકપોસ્ટ ખાતે કર્મચારીઓ દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમ્યાન પ્લાસ્ટિક મળી આવશે તો તે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવશે. ત્યારે આ ચેકપોસ્ટ કાર્યરત થવાથી ભવનાથ અને ગરવા ગિરનારને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખી શકાશે ત્યારે આ ચેકપોસ્ટ કાર્યરત થવાથી જૂનાગઢ નેચર ફર્સ્ટ ગ્રુપના યુવાનો દ્વારા તંત્રની આ કામગીરીથી હર્ષની લાગણી અનુભવી હતી. જેમાં નેચર ફર્સ્ટ ગ્રુપના યુવાનો છેલ્લા અઢી વર્ષથી જંગલ ખેડી ગિરનારને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નેમ લીધી હતી, અને અત્યાર સુધીમાં હજારો કીલો પ્લાસ્ટિકનો ગિરનારમાંથી નાશ કર્યો છે, ત્યારે આજે ખરેખર નેચર ફર્સ્ટ ગ્રુપની આ નેમ પૂર્ણ થઈ હોય તેવું લાગી રહ્યું છે.
તેમજ ભવનાથ ગિરનાર દર્શને આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવાસીયા દ્વારા પણ ઇકો સેન્સેટિવ વિસ્તારમાં પ્લાસ્ટિકનો વપરાશ ન થાય અને પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.





