JETPURRAJKOT

બાળકીના ઘટતા વજનને અટકાવી એક માસમાં ૮૦૦ ગ્રામ વજન વધારી સ્વાસ્થ્ય પ્રદાન કરતી સણોસરા આરોગ્ય વિભાગની ટીમ

તા.૪/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

બાળકને યોગ્ય રીતે બ્રેસ્ટ ફીડિંગ અને હૂંફ પૂરું પાડતી ‘કાંગારું મધર કેર’ પદ્ધતિ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં કરવામાં આવતી નેત્રદીપક કામગીરીનું જવલંત ઉદાહરણ હાલમાં જોવા મળ્યું છે. પીપળીયા ગામના ધર્મિષ્ઠાબેન સંજયભાઈ જંજવાડીયાને ઘેર પુત્રીનો જન્મ થયો. જન્મ સમયે બાળકીનું વજન માત્ર બે કિલો ૩૦૦ ગ્રામ હતું. બાળકીના જન્મ બાદ કોઈ કારણોસર બાળકીનું વજન ઘટવા લાગ્યું. દસ દિવસમાં બાળકીનું વજન માત્ર ૨ કિલો થઈ જતા બાળકી હાઈ રિસ્ક પર આવી ગયેલ. આ તકે સણોસરા હેલ્થ ઓફિસર ડો. નિયતિ જોશી અને ફિમેલ હેલ્થ વર્કર ગીતાબેન જાદવે બાળકીના સ્વાસ્થ્ય અંગે સતર્ક બની બાળકીનું વજન વધે તે માટે સઘન પ્રયત્નો શરુ કર્યા.

સૌપ્રથમ તેઓએ બાળકીના વજન ઘટવાના કારણો અંગે ધર્મિષ્ઠાબેન સાથે કાઉન્સેલિંગ કરી વિગતો એકઠી કરી. વાર્તાલાપમાં જાણવા મળ્યું કે માતા દ્વારા ખોટી રીતે સ્તનપાન કરાવવામાં આવતું હતું. ખોટી પોઝિશન તેમજ માતાનો આત્મવિશ્વાસ ખુબ જ નબળો હોય બાળક સારી રીતે પેટ ભરી શકતું નહી. નવજાત બાળકને નવડાવતા, જેને કારણે ઇન્ફેકશન થવાનો ભય રહેલો.

આ બાબતે ડોકટર અને તેની ટીમ દ્વારા તેઓને માર્ગદર્શિત કરાયા. યોગ્ય રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાની રીત, મિલ્ક પાવડર ન આપવો, કાંગારું મધર કેર દ્વારા બાળકને યોગ્ય રીતે હૂંફ પુરી પાડવી, બાળકને હાયપોથર્મિયા પ્રિવેન્ટ કરવા સ્પન્જ બાથ અને હુંફમાં રાખવા માર્ગદર્શન પૂરું પાડ્યું. સતત પ્રતિ સપ્તાહ ઘરે વિઝીટ કરી બાળકના ગ્રોથના સતત મોનીટરીંગના ફળસ્વરૂપે એક માસમાં બાળકીનું ૮૦૦ ગ્રામ વજન વધ્યું. પરિણામે નવજીવન પ્રાપ્ત થતા માતા ધર્મિષ્ઠાબેનના જીવનમાં પુત્રી પ્રાપ્તિ બાદ ઉત્સાહમાં વધારો જોવા મળ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પુરી પડાતી આરોગ્યલક્ષી સેવાની સરવાણી થકી અનેક લોકોના જીવનમાં ખુશીના પુષ્પ ખીલ્યા છે.

[wptube id="1252022"]
Back to top button