ટંકારા ના નેકનામ ગામે વોટર એ.ટી.એમ. જાણીતું બન્યું.!! એક રૂપિયો નાખો આઠ લિટર પાણી ફિલ્ટર મેળવો..

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી ટંકારા તાલુકાનું નેકનામ ગામ તેના વોટર એટીએમ માટે જાણીતું બન્યું છે નેકનામ ગામમાં ૪ હજારથી વધુની વસ્તી છે અને લોકો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે લગભગ ૮ વર્ષ પહેલા ગ્રામ પંચાયતના પ્રયાસોથી ગામના અગ્રણી દ્વારા ગ્રામ પંચાયતને આ વોટર એ.ટી.એમ. અર્પણ કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી ગ્રામ પંચાયત દ્વારા અવિરતપણે આ વોટર એ.ટી.એમ.નું યોગ્ય સંચાલન કરવામાં આવી રહ્યું છે અને ગ્રામજનો આ સુવિધાનો ખૂબ સારી રીતે લાભ મેળવી રહ્યા છે.

ગ્રામ પંચાયત દ્વારા પાઈપલાઈનની મદદથી નર્મદાનું પાણી એક કુવામાં ઠાલવવામાં આવે છે. આ કુવાનું પાણી વોટર ફિલ્ટર સુધી લાવવામાં આવે છે જ્યાં આ પાણીને સંપૂર્ણ રીતે ફિલ્ટર કરવામાં આવે છે. આ ફિલ્ટર દર કલાકે ૮૦૦ થી ૧૦૦૦ હજાર લીટર પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યાંથી આ પાણી વોટર એ.ટી.એમ. સિસ્ટમમાં આવે છે. ત્યારબાદ ગ્રામજનો ૧ રૂપિયો નાખી સરળતાથી પાણી મેળવી શકે છે. વોટર એ.ટી.એમ. થકી લોકોને નજીવા દરે ચોખ્ખું પાણી નિયમિત પણે મળી રહે છે. પાણી સાવ મફતમાં ન મળતું હોવાથી લોકો પાણીની કિંમત સમજે છે જેથી પાણીનો નહિવત બગાડ થાય છે અને ચોખ્ખું પાણી મળતું હોવાથી પાણીજન્ય રોગ થવાની પણ સંભાવનાઓ નહિવત થઈ જાય છે.

વોટર એ.ટી.એમ. વિશે વાત કરતા ગામના સરપંચ કનકસિંહ ઝાલા જણાવે છે કે, આજ થી લગભગ ૮ વર્ષ પહેલા ગ્રામ પંચાયતને ગામના અગ્રણી દ્વારા આ ફિલ્ટર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી ગ્રામ પંચાયત દ્વારા સુયોગ્ય રીતે તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગામના લોકોને નજીવા દરે આ વોટર એ.ટી.એમ.ની મદદથી નિયમિત રીતે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે રૂપિયા આ વોટર એ.ટી.એમ.માં એકત્ર થાય છે તેનો વોટર એ.ટી.એમ.ના મેન્ટેનેશનમાં ઉપયોગ કરવામાં આવે છે.

વોટર એ.ટી.એમ.ને ઉપયોગી ગણાવતા નેકનામ ગામના દિકરી માધવીબેન જણાવે છે કે, આ વોટર એ.ટી.એમ.નું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વોટર એ.ટી.એમ.માં ૧ રૂપિયો નાખતા ૮ લીટર પાણી મળે છે જે આમ તો મફત જેવું જ કહેવાય. આ ફિલ્ટર પાણી દિવસ-રાત જ્યારે જોઇએ ત્યારે મળી જાય છે. લોકોને પીવા માટે ચોખ્ખું પાણી મળતું હોવાથી પાણીજન્ય રોગચાળાથી પણ ગ્રામજનો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું









