Rajkot: રાજકોટની વિરાણી કન્યા વિદ્યાલય ખાતે રંગલો કહે છે, “મતદાન અચૂક કરો”

તા.૧૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૬૯- રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં મતદાન ગીત અને ભવાઈ થકી ‘મતદાન જાગૃતિ સંદેશ’ પાઠવતા કલાકારો
Rajkot: ગુજરાત રાજ્યમાં આગામી તા.૭મી મે-૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે દેશના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે. રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો અને મતદાર જાગૃતિ સંદેશ માટે વિશિષ્ટ નવતર પહેલ હાથ ધરી લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત ૬૯- રાજકોટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારની કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે ભવાઈના વેશ “રંગલા”ના માધ્યમથી મતદાર જાગૃતિ લાવવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંપરાગત માધ્યમના કલાકારએ મતદાન જાગૃતિ સંદેશ પાઠવતી પ્રેરણાત્મક પ્રસ્તુતિ કરી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. સાથે જ લોકગીતના લહેજામાં ગાયનના વિદ્યાર્થીઓએ મતદાન ગીત રજૂ કરી લોકોને મનોરંજન સાથે અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે હાકલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં અધિક કલેક્ટર શ્રી અને સ્વીપના નોડલ ઓફિસર શ્રી જીજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ- રેલી યોજી, ગ્રામ વિસ્તારોમાં સેલ્ફી પોઇન્ટ, ગેસના બાટલા – વીજળીના બિલો પર મતદાનના સંદેશા છાપવા સહિતના અનેક નવતર પ્રયાસો દ્વારા મતદાન જાગૃતિ લાવવામાં આવી રહી છે.








