
તા.૧૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આકસ્મિક સમયે ખોટી દોડધામ વિના ઉત્તમ આરોગ્ય સારવાર મળી રહે તે માટે લાભાર્થીઓને વહેલીતકે આયુષ્માન કાર્ડ કઢાવવા મંત્રીશ્રી કુંવરજી ભાઈનો અનુરોધ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે જળસંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં “આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત ‘‘મુખ્યમંત્રી અમૃતમ – મા વાત્સલ્ય યોજના’’ના કાર્ડને આયુષ્માન કાર્ડમાં તબદીલ કરવા તેમજ નવા આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટેનો કેમ્પ યોજાયો હતો.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આયુષ્માન કાર્ડ વિશે લોકોને માહીતગાર કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સ્વાસ્થ્યની સતત દરકાર લઈ રહી છે ત્યારે આ કાર્ડ હેઠળ મળતાં લાભની જોગવાઈમાં વધારો કરી કુટુંબ દીઠ વાર્ષિક ૧૦ લાખ સુધીનું વિનામૂલ્યે આરોગ્ય કવચ આપવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીની આયુષ્માન ભારતની નેમની સાર્થક કરવા જસદણમાં જરૂરિયાતમંદ એકપણ વ્યક્તિ બાકાત ન રહી જાય તે માટે દર શનિવારે બે વોર્ડ વાઈસ આયુષ્માન કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. જસદણનાં લોકોને આકસ્મિક સમયે ખોટી દોડધામ વિના ઉત્તમ આરોગ્ય સારવાર મળી રહે તે માટે લાયકાત ધરાવતાં લાભાર્થીઓને વહેલીતકે આયુષ્માન કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો.
આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડો. સી.કે.રામએ નાગરિકોને આયુષ્માન કાર્ડ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવીઓને પણ અતિ આધુનિક તબીબી ક્ષેત્રને લગતી તમામ સારવાર નિ:શુલ્ક મળી રહે તે માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ (માં) અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (માં વાત્સલ્ય) બંને યોજનાને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડી “પી.એમ.જે.એ.વાય. – માં” યોજના અમલી બનાવવામાં આવી છે. આ કાર્ડ હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક ૧૦ લાખ સુધીનું વિનામૂલ્યે આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. તથા આ કાર્ડ હેઠળ સમાવિષ્ટ હોસ્પિટલો, જરૂરી ડોક્યુમેન્ટ્સ સહિતની માહિતી આપવામાં આવી હતી.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કેમ્પનું ઉદઘાટન કર્યાં બાદ મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડના લાભાન્વિત નાગરિકોને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો બહોળી સંખ્યામાં નાગરીકોએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સવિતાબેન વાસાણી, તાલુકા પંચાયતના હોદેદારશ્રીઓ, સદસ્યો, નગરપાલિકાના હોદેદારશ્રીઓ, સદસ્યો, અગ્રણીશ્રીઓ, જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, જસદણ સરકારી હોસ્પિટલના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.