
રાજ્યમાં વધુ એક આંખની હોસ્પિલની ગંભીર બેદરકારી સામે આવી છે. રાધનપુર તાલુકાની એક ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં 13 જેટલા મોતિયાના દર્દીઓનાં આંખનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. ઓપરેશન બાદ કેટલાક દર્દીને દેખાવામાં તકલીફ થઈ છે. જેના પગલે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની એક ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીએ 13 જેટલા મોતિયાના દર્દીઓનાં આંખનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. ઓપરેશન બાદ 5 દર્દીની દ્દષ્ટિમાં ખામી સર્જાઈ છે. પરિણામે આ દર્દીઓને અમદાવાદ સિવિલમાં તપાસ અર્થે ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, અમદાવાદના વિરમગામના માંડલમા રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ કુલ 29 જેટલા મોતિયાના દર્દીઓનાં આંખનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. આ ઓપરેશન બાદ 17 દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યું હતું જેમાંથી પાંચ દર્દીઓને દેખાવાનું બંધ થઈ જતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર દર્દીઓમાં મોટા ભાગના સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના હતા.
માંડલમાં અંધાપાકાંડમાં મોડે મોડે સરકારની આંખો ખુલી છે. હવે ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ગમે તેટલા બેડ હોય તેમને ક્લિનિક્લ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અગાઉ આ જોગવાઇ 50થી વધુ બેડ હોય તેવી હોસ્પિટલમાં જ લાગુ પડતી હતી. આ અંગે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં માહિતી આપી હતી.










