
તા.૧/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આજ રોજ ”નેશનલ ડોક્ટર ડે’’ નિમિત્તે રાજકોટની એઇમ્સ હોસ્પિટલ ખાતે તબીબી ક્ષેત્રના અનુભવી દિગ્ગજ ડોક્ટરોના સન્માન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
એઇમ્સ ખાતે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચ દ્વારા ગાયનેકોલોજિસ્ટ અને રાજકોટ ચેપ્ટર, ઈન્ડિયન મેનોપોઝ સોસાયટીના સ્થાપક સચિવ ડૉ. નીલા મોહિલે, ઈન્ડિયન સોસાયટી ઓફ સર્જન્સ ઓફ હેન્ડના અધ્યક્ષ ડૉ. એસ.ટી. હેમાની, વરિષ્ઠ કેન્સર સર્જન અને ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, ન્યુરોસર્જન ડો. પ્રકાશ મોઢા, યુરોલોજિસ્ટ અને AIIMS રાજકોટના સભ્ય ડો. જીતેન્દ્ર અમલાણી, IMA ભૂતપૂર્વ પ્રમુખ અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સંજય ભટ્ટ તેમજ આર્મી વેટરન કર્નલ પ્રકાશ પી વ્યાસનું સન્માન કરાયું હતું.
આ તકે ડૉ.સી.ડી.એસ. કટોચે આજના દિવસનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે તબીબી ક્ષેત્રના તમામ સભ્યોના નિઃસ્વાર્થ સમર્પણને યાદ કરી તેઓના પ્રદાનને બિરદાવવું જોઈએ. એઇમ્સ રાજકોટ સતત અને ઝડપી પ્રગતિના પંથે આગળ વધી રહ્યું હોવાનું જણાવી એઇમ્સ પરિવારના દરેક સભ્યના યોગદાનની તેમણે સરાહના કરી હતી.
એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓએ ઉભરતા ડોકટરો તરીકે AIIMS રાજકોટમાં તેમની ભાવિ આકાંક્ષાઓ અને શીખવાનો અનુભવ આમંત્રિતો સમક્ષ વર્ણવ્યો હતો. કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનોએ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપમાં મેડિકલ ક્ષેત્ર તેમજ જીવનમાં તેમના સમૃદ્ધ અનુભવોમાંથી શીખવાની સુવર્ણ તક પુરી પાડી હતી.
આજ રોજ એઇમ્સ ખાતે સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો દ્વારા ગણેશ વંદના પર શાસ્ત્રીય નૃત્ય અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગીત સંગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. એઈમ્સના વરિષ્ઠ પ્રોફેસરો દ્વારા મહેમાનોનું સ્વાગત છોડ અને સ્મૃતિ ચિન્હ આપીને કરાયું હતું.