
મહિલાઓને સરકાર દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓથી માહિતગાર કરાઈ
*****
આણંદ, ગુરૂવાર :: રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશકિતકરણ અર્થે વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અને સેવાઓ અમલી બનાવાઇ છે. સમાજમાં મહિલાઓ ગૌરવભેર આગળ વધે અને આર્થિક તથા સામાજિક તેમજ શારીરિક અને માનસિક રીતે સશક્ત બને એ માટે કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહના બીજા દિવસે “બેટી બચાવો બેટી પઢાવો” દિવસની ઉજવણી અંતર્ગત ઉમરેઠ તાલુકાની ભરોડા પ્રાથમિક શાળા ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કિશોરી મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી જેવી કે પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, “સખી” વન સ્ટોપ સેન્ટર, શક્તિ સદન, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. તેમજ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન(DHEW)ના સ્ટાફના તેજલબેન દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં કાર્યરત વ્હાલી દીકરી, બેટી- બચાઓ બેટી-પઢાઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના જેવી વિવિધ યોજનાઓ અને તેના દ્વારા થતા લાભો વિશે મહિલાઓને વિગતવાર જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહેનો અને કિશોરીઓએ યોજાનાને દર્શાવતા નાટક ભજવી મનોરંજન સાથે યોજનાઓની માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સી.ડી.એચ.ઓ.શ્રી, જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીશ્રી, અગ્રણી જાગૃતિબેન શાહ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, ”સખી” વન સ્ટોપ સેન્ટર, શક્તિ સદન, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન(DHEW)ના કર્મચારીઓ, શાળાના તમામ શિક્ષકો સહિત મોટી સંખ્યામા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.